રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે BAPS દ્વારા રૂ. ૨.૧૧ કરોડનું અનુદાન

Monday 15th February 2021 15:03 EST
 
 

અમદાવાદઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (બીએપીએસ)ના સંત ઈશ્વરચરણ સ્વામીએ રૂ. ૨,૧૧,૧૧,૧૧૧નું અનુદાન રામ જન્મભૂમિ મંદિરના નિર્માણ સમિતિને ૧૩મી ફેબ્રુઆરીએ અર્પણ કર્યું હતું. અમદાવાદમાં BAPS સ્વામીનારાયણ મંદિરમાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિધિ સમર્પણ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન રૂપાણીએ જણાવ્યું હતું કે, રામ મંદિર નિર્માણ માટેની યાત્રા સોમનાથ-ગુજરાતથી નીકળી અયોધ્યા પહોંચી હતી. એ વખતે રામ મંદિરની પ્રથમ આધાર શિલાનું પૂજન ૩૧ વર્ષ પહેલાં શાહીબાગ સ્વામીનારાયણ મંદિરમાં પ્રમુખસ્વામી મહારાજ દ્વારા થયું હતું તે સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે.
વિશ્વભરમાં વૈદિક સ્થાપત્યકલા અનુસાર બેનમૂન મંદિરોનું નિર્માણ કરનારા BAPS સંસ્થાનો અનુભવ અને સહકાર ભવ્ય રામ મંદિરના નિર્માણમાં મળી રહ્યો છે. રામ જન્મભૂમિ મંદિર આંદોલનથી લઇને રામ મંદિરના નિર્માણકાર્ય સુધી પ્રમુખ સ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજનો સહકાર તથા BAPS સ્વામીનારાયણ સંસ્થાના સંતો-હરિભક્તોનો ભક્તિભાવ ઈતિહાસમાં અમર રહેશે.
રામ મંદિર રાષ્ટ્રીય મંદિર
રામ મંદિર રાષ્ટ્રીય મંદિર બની રહેશે. રામ મંદિર થકી નાત-જાતથી ઉપર ઉઠીને સર્વજન કલ્યાણની ભાવના સુદૃઢ થાય, સત્ય અને નિષ્ઠાનું-રામ રાજ્યનું સ્થાપન થાય તે મંદિર નિર્માણનો હેતુ છે. આ પ્રસંગ BAPSના વરિષ્ઠ સંત બ્રહ્મવિહારીદાસજી, વીએચપીના દિલીપ ત્રિવેદી, રામ જન્મભૂમિ મંદિર નિધિ સમિતિના પ્રાંત અધ્યક્ષ ગોવિંદ ધોળકિયા તથા ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter