અમદાવાદઃ સુપ્રીમ કોર્ટ રામ મંદિર ચુકાદો સંભળાવ્યા બાદ પ્રજા અને પોલીસને માહોલ ગરમ થવાની શંકા હતી. સલામતી માટે પોલીસ તૈનાત કરવામાં આવી હતી, પરંતુ ગુજરાતમાં ચુકાદા પછી પણ એકતા-શાંતિનો માહોલ બની રહ્યો હતો. રાજ્યમાં ક્યાંય ઉત્તેજના ન છવાઇ કે ન તો ઉજવણી કરવામાં આવી. હિન્દુ મુસ્લિમોએ ગુજરાતની શાંતિ ડહોળાય નહીં તે માટે પ્રયાસો કર્યા હતાં જેના પગલે આખાય રાજ્યમાં એકેય અનિચ્છિય બનાવ બનવા પામ્યો ન હતો. ગુજરાતીઓએ ખરા અર્થમાં એકતાનો પરિચય આપ્યો હતો.
રામ મંદિરના ચુકાદાને પગલે રાજ્યમાં પોલીસ કર્મચારીઓની રજાઓ પણ રદ કરી દેવાઇ હતી. સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું હતું સુપ્રીમ કોર્ટ શું ચુકાદો આપશે તે અંગે લોકોમાં ઉત્કંઠા જાગી હતી. ચોરેને ચૌટે એક જ ચર્ચા હતી કે, કોની તરફેણમાં ચુકાદો આવશે? જોકે ચુકાદાના માહોલ વચ્ચે આઠમી નવેમ્બરની રાતથી સોશિયલ મીડિયામાં હિન્દુ-મુસ્લિમ આગેવાનો ધર્મગુરુઓએ શાંતિ જાળવવા અપીલ કરી હતી. ભાજપ-કોંગ્રેસના નેતાઓએ પણ અપીલ કરી હતી. રામ મંદિર અંગેના ચુકાદા બાદ ગુજરાત તથા દેશમાં માહોલ ડહોળાશે તેવી ભિતિ વ્યક્ત કરવામાં આવી હતી. નવમી નવેમ્બરે વહેલી સવારથી લોકો ટીવી સામે ગોઠવાઇ ગયા હતાં. ચુકાદા જાણવા લોકોમાં ઉત્સુકતા હતી, પરંતુ ચુકાદો આવ્યા પછી ક્યાંય આવેશ કે રોષનો માહોલ ન સર્જાતાં પોલીસબેડામાં રાહત ફેલાઈ હતી.

