અમદાવાદઃ સુપ્રીમ કોર્ટે રામ મંદિરના નિર્માણ અંગે આપેલા ચુકાદા બાદ ઈદનો તહેવાર હોવાથી ૧૦મી નવેમ્બરે પોલીસે એલર્ટ પર રહી હતી. રાજ્યભારમાં રવિવારે ઈદના તહેવારને લઈને ૭.૩૦ કરતા પણ વધારે જુલુસ નીકળ્યા હતા. જોકે રાજ્યમાં શાંતિમય વાતાવરણ વચ્ચે ઇદના જુલુસમાં પણ હિન્દુ - મુસ્લિમ એકતાના પ્રસંગ દેખાય હતા. શાંતિપૂર્ણ રીતે ઈદનો તહેવાર પૂર્ણ થતાં પોલીસબેડાએ તમામ પોલીસ અધિકારીઓને સોમવારથી રજા આપવા આદેશ કર્યો હતો. ચુકાદા બાદ ઈદનો તહેવાર પૂર્ણ થતાં પોલીસ અને પ્રજાએ હાશકારો લીધો હતો. ૧૦મીએ મોડી રાત સુધી પોલીસકર્મીઓને પેટ્રોલિંગ અને પોઈન્ટ પર હાજર રહેવાના આદેશ પોલીસ અધિકારીઓએ કર્યા હતા, પણ રાજ્યમાં કોમી એખલાસ વચ્ચે ઈદનો તહેવાર ઉજવાતાં સૌએ શાંતિનો શ્વાસ લીધો હતો.


