નવી દિલ્હીઃ આસારામ કેસની ગોકળગાયની ગતિએ ચાલી રહેલી કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટે સોમવારે નારાજગી વ્યક્ત કરી હતી. મુદ્દે ગુજરાત સરકારનો ઉધડો લેતાં સુપ્રીમ કોર્ટે તપાસની સ્થિતિ અંગેનો અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો હતો. કેસમાં પીડિતાનું નિવેદન હજુ સુધી નહીં નોંધવા બદલ સુપ્રીમ કોર્ટ ખફા થઈ હતી. સુરતની મહિલાએ આસારામે સામે જાતીય શોષણનો આક્ષેપ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એનવી રમના અને જસ્ટિસ અમિત્વા રોયની બેન્ચે ગુજરાત સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, બેન્ચ દ્વારા અગાઉ આદેશ જારી કરવામાં આવ્યો હોવા છતાં પણ કેસમાં હજુ સુધી કોર્ટ સમક્ષ પીડિતાનું નિવેદન લેવામાં આવ્યું નથી. સુપ્રીમ કોર્ટે ગત એપ્રિલમાં કેસ ઝડપથી ચલાવવાનો નિર્દેશ આપ્યો હતો. બેન્ચે સવાલ કર્યો હતો કે હજુ સુધી તમામ સાક્ષીઓના નિવેદનો કેમ નોંધવામાં આવ્યા નથી. કેસમાં મહત્ત્વની સાક્ષી પીડિત યુવતી છે તેનું નિવેદન હજુ સુધી નોંધાયું નથી.


