ગાંધીનગરઃ બિહારના રાજ્યપાલપદે નિયુક્તિ બાદ તાજેતરમાં બગોદરા, ગોંડલ અને સુરેન્દ્રનગરમાં કોળી સમાજનું અભિવાદન ઝીલનારા રામનાથ કોવિંદને ગુજરાત ફળ્યું! ભારતના રાષ્ટ્રપતિ પદ માટે તેમની પસંદગી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને કોળી, અનુસૂચિત જાતિના વિવિધ સમાજની વોટબેંક રૂપે ફળે તો નવાઈ નહીં. કાનપુરમાં કોળી સમાજમાંથી આવતા કોવિંદ ભાજપના રાષ્ટ્રિય અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ હતા. રાજ્યપાલ તરીકે નિયુક્તિ પહેલાં અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ પણ હતા. ઉત્તર પ્રદેશમાં તેમનો સમાજ એસસી વર્ગ હેઠળ છે. ગુજરાતમાં કોળી સમાજ ઓબીસીમાં આવે છે. આથી, ગુજરાતના એસસી, કોળી આગેવાનો સાથે તેમનાં વ્યક્તિગત સંબંધો છે. લોકસભા, વિધાનસભા ચૂંટણી પ્રચારમાં ગુજરાતમાં લાંબો સમય આપ્યાનું તેમણે કહ્યું હતું. સોમનાથમાં અગાઉ એપ્રિલમાં મળેલી ભાજપની પ્રદેશ કારોબારીમાં કોળી સમાજના સાંસદો, ધારાસભ્યો, હોદ્દેદારોએ બિહારના રાજ્યપાલ કોવિંદના કાર્યક્રમની માગ પણ કરી હતી.
૪૦નો ગુજરાત સાથેનો સંબંધ
એનડીએ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર રામનાથે હમણાં જ સૌરાષ્ટ્રની મુલાકાત કરી હતી. તેઓ ગોંડલ આવ્યા હતા. રાજકોટ જિલ્લા કોળી સમાજ તેમજ માંધાતા ગૃપ ગોંડલ દ્વારા કોવિંદના સન્માન સમારંભનું આયોજન પણ હતું. આ તકે કોવિંદે જણાવ્યું હતું કે, ગુજરાત સાથે ૩પથી ૪૦ વર્ષનો નાતો છે. શિક્ષણના મામલે બાંધછોડ ના કરો. દીકરા-દીકરીમાં ભેદ ન રાખો. ભારતના સંવિધાનમાં સૌને બે અધિકાર મળ્યા છે. એક શિક્ષણ અને બીજો મતાધિકાર. અશિક્ષિત હોવાના કારણે આપનો મત કોઈ ખરીદી જશે. શિક્ષિત બનીશું તો જ આપનો મત કોઈ ખરીદી શકશે નહીં. તેમણે ગોંડલ અક્ષર મંદિરે દર્શન પણ કર્યાં હતાં.

