હિંમતનગર: રાયગઢ ગામની દૂધ મંડળી એ એવું એટીએમ બનાવ્યું છે જેમાંથી કાર્ડ અને કેશથી ગાય અને ભેંસનું જોઈએ તેવી રીતે અને તેટલું રૂ. ૧૦, ૨૦, ૫૦, ૧૦૦નું અલગ દૂધ ગમે ત્યારે મેળવી શકાય છે. મંડળીમાં કર્મચારી છૂટ્ટો થઈ રહ્યો હોવાથી કર્મચારીના પગારનો ખર્ચ બચાવવા અને દિવસ દરમિયાન ગમે ત્યારે શુદ્ધ દૂધ મળી રહે તે માટે મિલ્ક એટીએમના વિચારને મૂર્તિમંત કરવામાં આવ્યો છે. અહીંથી એટીએમ દ્વારા ૨૪ કલાક દૂધ મળે છે. દૂધ મંડળીના વાઇસ ચેરમેન ધવલભાઈ પટેલે જણાવ્યું કે, મંડળીમાં એક કર્મચારી છૂટા થઈ રહ્યા છે.
સવાર-સાંજ દૂધ આપવા માટે એક કર્મચારીને પગાર આપવો પડે છે અને બે ટાઇમ જ દૂધનું વેચાણ કરી શકીએ છીએ. જેથી દૂધનું એટીએમ શરૂ કરવા નિર્ણય કર્યો અને બાયડ તાલુકાના ડેમાઈની મુલાકાત લીધી હતી. જોકે ડેમાઈમાં એટીએમની ક્ષમતા ઘણી ઓછી હતી. ત્યાર બાદ નેટ પર સર્ચ કરીને કંપની સાથે વાતચીત કરી અને દૂધના ભાવ અને રૂ. ૧૦, ૨૦, ૫૦, ૧૦૦ના ગુણાંકમાં કેલિબ્રેશન કરાવી તે પ્રમાણે જ દૂધ મળી રહે તે માટે સેન્સરમાં વ્યવસ્થા કરી આ એટીએમ વસાવ્યું છે. આ એટીએમ નવી-જૂની તમામ ચલણી નોટો સ્વીકારે છે. દૂધના ગ્રાહકો માટે મંડળીએ ૫૦ એટીએમ કાર્ડ ઈશ્યુ કર્યાં છે. જેમાં બેલેન્સ કરાવી કાર્ડથી પણ દૂધ મેળવી શકાય છે. એટીએમ પર ગાય અને ભેંસના દૂધ માટે વિકલ્પ મુકેલા છે.


