ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં બે કાર્યક્રમમાં હાજરી આપીને દિલ્હી ગમન કર્યું એના થોડાક જ કલાકોમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીનું ૨૨મીએ રાજ્યમાં આગમન થયું હતું. બીજા દિવસે રવિવારે તેઓએ ભરૂચ, અંકલેશ્વર અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી.
૨૨મી ઓક્ટોબરે રાત્રે સાડા દસ વાગ્યે રાષ્ટ્રપતિનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. પ્રોટોકોલ મુજબ રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી ઉપરાંત રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત વિવિધ પ્રધાનોએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. અહીંથી તેઓ રાજભવન પહોંચ્યા હતા. રવિવારે સવારે તેઓ ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલ અને અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલનું લોકાર્પણ કરવા રવાના થયા હતા. રાષ્ટ્રપતિ ભરૂચ માટે નીકળ્યા તે પહેલાં તેમના મિત્ર અને કોંગ્રેસના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીની ગાંધીનગર ખાતેના તેમના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. માધવસિંહ છેલ્લા કેટલાક સમયથી તેમની જૈફ વયના કારણે નાદુરસ્ત તબિયત ધરાવે છે. રાષ્ટ્રપતિના આગમનના પગલે ભરૂચ અને અંકલેશ્વર શહેરોમાં સ્વચ્છતા, વ્યવસ્થા અને સુરક્ષાનો કડક બંદોબસ્ત હતો.
ભરૂચની હોસ્પિટલના લોકાર્પણ બાદ તેઓએ મહાત્મા ગાંધી, ડો. ચંદુલાલ દેસાઈ, છોટુભાઈ પુરાણીની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. ઉપરાંત, મહાત્મા ગાંધી દાંડી કૂચ દરમિયાન જ્યાં રોકાયા હતા તે સ્થળને હવે ગાંધી સ્મૃતિ ભવન તરીકે વિકસાવાયું છે તેનું પણ તેઓએ ઉદઘાટન કર્યું હતું.
બપોરે તેઓએ વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની ગુજરાત નોલેજ વિલેજ કોલેજના એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓને વિશેષ વ્યાખ્યાન આપ્યું હતું. નોલેજ વિલેજ કોલેજમાં વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને ગોલ્ડમેડલ એનાયત કરીને તેમનું બહુમાન કર્યું હતું.


