ગાંધીનગરઃ ગુજરાતમાં આતંકવાદ વિરોધી કાયદો લાવવામાં સરકારને ૧૩ વર્ષના સંઘર્ષ પછી નિષ્ફળતા મળી છે. આ પ્રકારનો કાયદો લાવવા માટેનું વિધેયક ત્રીજી વખત રાષ્ટ્રપતિએ પરત મોકલ્યું છે. અગાઉ નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે રાષ્ટ્રપતિએ બે વખત ગુજકોકનું વિધેયક પરત મોકલ્યું હતું.
આનંદીબહેન પટેલની સરકારે વર્ષ, ૨૦૧૫માં ગુજકોકને બદલે ગુજકોટોક નામ સાથે અલગ વિધેયક પસાર કર્યું હતું, પરંતુ તેમાં વિવાદાસ્પદ જોગવાઈઓ યથાવત રખાતાં આ બિલ પણ રાષ્ટ્રપતિએ પરત મોકલ્યું છે.
નરેન્દ્ર મોદી સરકારે ૨૦૦૩માં મહારાષ્ટ્રના મકોકાની પેટર્ન પર ગુજરાત કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ ક્રાઇમ (ગુજકોક)નું વિધેયક વિધાનસભામાં પસાર કર્યું હતું. જેને તત્કાલિક રાષ્ટ્રપતિ ડો. એ પી જે અબ્દુલ કલામે કેટલીક જોગવાઈઓ દૂર કરવાના સૂચન સાથે પરત મોકલ્યું હતું. ત્યાર બાદ રાજ્ય સરકારે ફરી રાષ્ટ્રપતિ સમક્ષ મોકલેલું વિધેયક પણ ૨૦૦૯માં પરત આવ્યું હતું.

