રાજકોટઃ બ્રાહ્મણ સમાજની પ્રગતિ માટે રાષ્ટ્રીય સ્તરે કાર્યરત સામાજિક સંસ્થા ‘બ્રાહ્મણ સંસાર સંગઠન’ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. રામજી શુક્લા, દિલ્હી - જયપુર સહિત રાષ્ટ્રીય સચિવ સુરેશ શર્મા અને વરિષ્ઠોના પરામર્શ બાદ જયેશ વ્યાસને આ સંગઠનના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ ઘોષણાથી સમાજના અનેક આગેવાનોએ આનંદની લાગણી વ્યક્ત કરી શુભકામનાઓ પાઠવી છે.
નવનિયુક્ત પ્રદેશાધ્યક્ષ જયેશ વ્યાસે સૌનો આભાર માની જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ તરીકે આપણા પ્રમાણભૂત શાસ્ત્રો, વેદ, ઉપનિષદ અને પુરાણોના પ્રાચીનકાળથી અધ્યયન અને અધ્યાપન દ્વારા આજના વર્તમાન સુધી પ્રવાહિત રાખવામાં બ્રાહ્મણ સમાજનું અમૂલ્ય યોગદાન છે. એ માટે કેટલાય બ્રાહ્મણોએ અનેક સંઘર્ષ - આઘાતો સહન કરીને, પ્રાણોની આહૂતિ આપીને પણ આ રાષ્ટ્રની સંસ્કૃતિના મૂલ્યોનું રક્ષણ કર્યું છે. બદલાતા સમયમાં બ્રાહ્મણ સમાજના સર્વાંગી વિકાસ માટે, સમાજની આવશ્યકતા, સમસ્યા અને તેના ઉકેલ માટે બ્રહ્મ અગ્રણીઓના પરસ્પર સહયોગ અને વાદ નહીં, પરંતુ સંવાદ દ્વારા ઉકેલની દિશામાં કાર્યરત રહીશું. આ કાર્યમાં સહયોગ આપવા માગતા સહુ બ્રહ્મબંધુઓ અને ભગિનીઓને જોડાવા માટે બ્રાહ્મણ સંસ્થા વતી આહ્વાન કરું છું. આગામી સમયમાં પ્રાંત અને જિલ્લાઓની સંગઠનની રચના પૂર્ણ કરવામાં આવશે. તેમ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જયેશ વ્યાસે જણાવ્યું હતું.