રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મહાત્મા ગાંધીજી પર આધારિત પુસ્તક બહાર પાડશે

Monday 16th March 2020 06:41 EDT
 

અમદાવાદઃ છેલ્લા સાત દાયકાથી મહાત્મા ગાંધી અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ વિષય સતત ચર્ચાતો રહ્યો છે. ગુજરાતમાં આ વિષય ફરી એક વખત તાજી ચર્ચાનો બન્યો છે. મુદ્દો એ છે કે ગાંધીજીનાં ૧૫૦મા જન્મ જયંતી વર્ષ નિમિત્તે ગુજરાત પ્રાંત - રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ ગાંધીજી પર એક પુસ્તક પ્રકાશિત કરવા જઇ રહ્યું છે. મહાત્મા ગાંધી પર સંઘ દ્વારા પુસ્તક પ્રકાશિત કરવાનું પ્રયોજન ઘણું રસપ્રદ છે. સંઘ માને છે કે મહાત્મા ગાંધીનાં વિચારો શાશ્વત છે માટે દેશહિતનાં વિચારો સમગ્ર સમાજ સુધી પહોંચે તેવા પ્રયત્નો સતત થવા જોઇએ. આ પુસ્તક ‘મહત્મા ગાંધી - એક શાશ્વત વિચાર’ નામે સંઘ પ્રેરિત વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા પ્રકાશિત થશે. આરએસએસ દ્વારા જણાવાયું છે કે, એપ્રિલ, ૨૦૨૦માં આ પુસ્તક પ્રકાશિત થશે અને પુસ્તકમાં યુવા પેઢી માટે ખાસ ધ્યાન રખાયું છે. આ પ્રકારનું ગાંધીજી પરનું કદાચ આ પ્રથમ પુસ્તક હશે.
પુસ્તક વિશે સંઘનાં ગુજરાત પ્રાંતનાં સહપ્રચાર પ્રમુખ અને વિશ્વ સંવાદ કેન્દ્રનાં મેનેજિંગ ટ્રસ્ટી હિતેન્દ્ર મોજીદ્રાએ જણાવ્યું છે કે, ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી વર્ષની ઉજવણી નિમિત્તે આ પુસ્તકનો વિચાર આવ્યો છે. પુસ્તકનાં માધ્યમથી ગાંધીજીનાં દેશહિતનાં વિચારોનો સમાજમાં પ્રસાર થાય તેવો આરએસએસનો પ્રયત્ન છે. તેમાં ગુજરાતનાં લેખકો, બૌદ્ધિકો, સંતો, તબીબો, ચિંતકો, સાહિત્યકારો અને અગ્રણીઓ દ્વારા ગાંધીજી કેમ શાશ્વત છે? તેનું વર્તમાન સમય સંદર્ભે મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. તેઓએ કહ્યું કે, પુસ્તકમાં યુવાપેઢી સુધી ગાંધીજીનાં વિચારો પહોંચે તે માટે જ અમે ઓગમેન્ટેડ રિયાલિટી ટેક્નોલોજીનો ઉપયોગ તેમાં કર્યો છે. પુસ્તકમાં અમે કેટલાક પાનાં પર સિમ્બોલ આપીશું. જેને મોબાઇલ એપ દ્વારા સ્કેન કરતાં ગાંધીજીનાં જીવનનાં મહત્ત્વનાં ભાષણો, ફિલ્મો, પ્રસંગો, ફોટોગ્રાફ્સ અને તથ્યો પોતાનાં મોબાઇલમાં જોઇ અને વાંચી શકાશે.
મોજિદ્રાએ કહ્યું કે, પુસ્તકની પ્રથમ આવૃત્તિમાં આશરે ૫,૦૦૦થી ૧૦,૦૦૦ કોપી પ્રિન્ટ કરાશે. શૈક્ષણિક સંસ્થાઓને પુસ્તક રાહત દરે મળે તેવો પણ એક વિચાર કરાયો છે. સંઘ આ પુસ્તક દ્વારા ગાંધીજી અંગેના વિચારો લોકો સમક્ષ મૂકગવા માગે છે? એવા સવાલના જવાબમાં મોજીદ્રાએ કહ્યું કે, અમને ખુશી છે કે એક-બે લેખને બાદ કરતાં પુસ્તકનાં તમામ લેખો સમાજનાં લોકો દ્વારા લખાયા છે. પુસ્તકમાં આશરે ૪૦ જેટલા લેખ હશે જેમાંથી મોટા ભાગના લેખ ગુજરાતના અગ્રણી લોકો દ્વારા લખાયા છે. તેથી પ્રત્યક્ષ રીતે સંઘના ગાંધીજી અંગેના વિચારો પુસ્તકમાં સમાવિષ્ટ હોવાનું નહિવત છે.
વાજતેગાજતે વિમોચન
સંઘ દ્વારા પ્રકાશિત થનારા આ પુસ્તકનું કામ હાલમાં પૂરજોશમાં ચાલે છે અને અંતિમ તબક્કામાં છે. આ પુસ્તક આશરે ૨૫૦ પેજનું અને હાર્ડ બાઉન્ડ હશે. સંઘ દ્વારા ગાંધીજી પરનું આ પ્રકારનું આ પહેલું પુસ્તક હોવાથી તેને ભવ્ય સમારંભમાં વિમોચન કરાશે. પુસ્તક એક કરતા વધુ સ્થળે એક સાથે વિમોચનના પ્રયત્નો પણ ચાલે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter