રાહુલ ગાંધી હાઝિર હો! કોર્ટમાં હાજર રહેવા સમન્સ

Wednesday 10th April 2019 06:25 EDT
 
 

અમદાવાદઃ નોટબંધી વખતે એડીસી બેંકમાં રૂ. ૭૪૫ કરોડની નોટો બદલવા અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યા બાદ રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ અંગે ટ્વિટ કરી હતી. જેના લીધે બેંક અને બેંકના હોદ્દેદારોની બદનક્ષી થતા એડીસી બેંકના ચેરમેન અજય પટેલે કોર્ટમાં કોગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને પક્ષના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સૂરજેવાલા સામે બદનક્ષીની ફરિયાદ કરી હતી.
આ કેસમાં એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ. કે. ગઢવીએ રાહુલ ગાંધી અને રણદીપ સૂરજેવાલા સામે સમન્સ બજાવી ૨૭મી મેએ હાજર રહેવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે નોંધ્યું છે કે, ફરિયાદીએ રજૂ કરેલા દસ્તાવેજો જોતા પ્રથમદર્શીય બદનક્ષી બનતી હોવાનું જણાઈ આવે છે. ઉલ્લેખનીય છે કે, એડીસી બેંકના ચેરમેન અજય પટેલે કરેલી બદનક્ષીની બે ફરિયાદમાં ફરિયાદી સહિત ૧૧ જણાની જુબાની લેવાઈ હતી.
એડીસી બેંકની ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, નોટબંધી વખતે એડીસી બેંકમાં રૂ. ૭૪૫ કરોડની નોટો બદલવા અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યા બાદ રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને ટ્વિટ પણ કર્યું હતું. જેના લીધે બેંક અને બેંકના હોદ્દેદારોની આઈપીસીની કલમ ૫૦૦ મુજબ બદનક્ષી થઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter