અમદાવાદ: રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પ્રચારાર્થે આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ૨૯મીએ દીવમાં સભા સંબોધી અને પછી હેલિકોપ્ટરથી સોમનાથ ગયા હતા. સોમનાથ મંદિર ટ્રસ્ટે બિનહિન્દુના પ્રવેશ સમયે રજિસ્ટરમાં નોંધ કરવાનો નિયમ બનાવ્યો છે. આ રજિસ્ટરમાં રાહુલ ગાંધીના નામ સામે ‘બિન-હિન્દુ’ લખાયું. આ નોંધ સાથે રાહુલનો ફોટો મીડિયામાં ફરતો થતાં વિવાદ વકર્યો કે રાહુલ હિન્દુ કે બિનહિન્દુ? જોકે ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ કહ્યું કે, તેમના સાથીદારે નોંધ કરી હોવી જોઈએ. બીજી તરફ ખૂલ્યું કે, રાહુલ અને અહેમદ પટેલની નોંધ મીડિયા કો-ઓર્ડિનેટર મનોજ ત્યાગીએ કરાવી હતી. જોકે વિવાદ બાદ ટ્રસ્ટે રજિસ્ટર સિક્યુરિટી પાસેથી લઈ લીધું હતું. આ અંગે ભાજપે આક્ષેપ શરૂ કરી દીધા કે કોંગ્રેસ જવાબ આપે રાહુલ કોણ? તો કોંગ્રેસે કહ્યું કે, ભાજપે રજિસ્ટરની કોપી મીડિયામાં લીક કરી છે. રાહુલ જનોઈધારી હિન્દુ છે. તેઓ શિવભક્ત છે. નિયમિત મંદિરોમાં જાય છે. ભાજપે સામે કહ્યં કે રાહુલની દરેક વાતમાં ભ્રમ હોય છે. તેમના શિક્ષણ, ધર્મ અને કર્મમાં ભ્રમ દેખાય છે. તો કોંગ્રેસે અંતે કહ્યું કે આમાં એવા કોંગ્રેસીઓનો હાથ લાગે છે જેઓ ભાજપમાં જોડાવા તલપાપડ છે.
‘ધર્મની દલાલી નથી કરતા’
૩૦મીએ રાહુલે અમરેલીમાં સ્થાનિક વેપારીઓ અને કોંગ્રેસના કાર્યકરો સાથેની બેઠકમાં કહ્યું કે, તેઓ ધર્મની દલાલી નથી કરતા. મારો પરિવાર શિવભક્ત છે અને આ વાત અમે અમારા પૂરતી રાખીએ છીએ કોઈ રાજનીતિ કરવા માગતા નથી. રાહુલે એમ પણ જણાવ્યું હતું કે, સરદાર પટેલ અને જવાહરલાલ નેહરુ મિત્ર હતા. સરદાર પટેલ ખરેખર તો આરએસએસના વિરોધી હતા, પરંતુ અહીં તેઓ દુશ્મન હતા તેવી વાત ફેલાવાય છે.


