અમદાવાદઃ નોટબંધી વખતે એડીસી બેંક દ્વારા પાંચ જ દિવસમાં રૂ. ૭૪૫ કરોડની નોટો બદલવાના મામલે બદનક્ષીમાં કોગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી ૧૨મીએ બપોરે મેટ્રોપોલિટન કોર્ટમાં હાજર રહ્યા હતા. તેમની સામે થયેલા આરોપના મામલે જ્યારે કોર્ટે તેમનું શું કહેવું છે તે વિષે પૂછયું ત્યારે રાહુલ ગાંધીએ ‘નોટ ગિલ્ટી, પ્લીઝ’ કરતાં સ્પષ્ટ કહ્યું હતું કે, તેમને ગુનો કબૂલ નથી, તેઓ આ કેસ ચલાવવા માગે છે.
આ સંદર્ભમાં સતત બાવન મિનિટ ચાલેલી કોર્ટ કાર્યવાહી બાદ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એમ. બી. મુન્શીએ રાહુલ ગાંધીને રૂ. ૧૫ હજારના જામીન પર મુક્ત કરવાનો હુક્મ કર્યો હતો.તેની સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સુરજેવાલાને સમન્સ મળ્યું નહીં હોવાથી નવેસરથી સમન્સ જારી કરવાનો હુક્મ કર્યો હતો. હવે પછીની મુદત ૭મી સપ્ટેમ્બર નિશ્ચિત કરી હતી.
ઘીકાંટા કોર્ટ સંકુલમાં છઠ્ઠા માળે ચાલી રહેલી આ કેસની કાર્યવાહીમાં હાજર થવા રાહુલ ગાંધીને સલામતીના કારણોસર મેજિસ્ટ્રેટ દ્વારા જ ઉપયોગમાં લેવાતી લિફ્ટમાં લાવવામાં આવ્યા હતા. બપોરે ૩-૧૨ વાગ્યે કોર્ટ રુમમાં પ્રવેશેલા રાહુલ ગાંધી સીધા જ કઠેડામાં ઊભા રહી ગયા હતા. રાહુલ ગાંધીએ મીડિયા સાથેની વાતચીતમાં પોતાની સામે થયેલા આ કેસનો સીધેસીધો ઉલ્લેખ કર્યા વિના કહ્યું હતું કે, મને દબાવવાની કોશિશ થઈ રહી છે, પણ મને કોઇ ફેર પડતો નથી. હું ડરતો નથી. હું દેશના ભવિષ્ય માટે ભ્રષ્ટાચાર અને અત્યાચારની સામે ઊભો રહી સતત લડતો રહીશ.


