અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે કોંગ્રેસે નકારાત્મક પ્રચારથી દૂર રહેવા નક્કી કર્યું છે તેમાં ય કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ માત્રને માત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જ ટાર્ગેટ કરીને ચૂંટણીપ્રચાર નહીં કરવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત કોંગ્રેસી નેતાઓને પણ પક્ષની છબી ખરડાય તેવા નિવેદનોથી દૂર રહેવા ખાસ સૂચનાઓ આપી દેવાઇ છે.
સૂત્રો કહે છે કે, કોંગ્રેસ દર ચૂંટણીમાં ભાજપના કોઇને કોઇ રાજકીય ચક્રવ્યૂહમાં ફસડાઇ પડે છે જેના લીધે તેને હારનો સામનો ભોગવવો પડે છે. આ વખતે કોંગ્રેસ એક એક કદમ ફૂંકીને ફૂંકીને આગળ વધી રહ્યું છે. કોઇપણ મુદ્દે વિવાદ ન થાય તેની તકેદારી રખાઈ રહી છે.
માત્ર પ્રજાલક્ષી વાત અને કોંગ્રેસ શું કરવા માગે છે તે મુદદે પ્રચાર કરીને ચૂંટણી જીતવા કોંગ્રેસ મથામણ કરી રહ્યું છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાનને લઇને કોઇ વ્યક્તિગત કોમેન્ટો,નિવેદનો કરીને ટાર્ગેટ નહી કરવા આઇટી સેલથી માંડીને તમામ પ્રચારકોને સુચના આપી દીધી છે. નકારાત્મક પ્રચારને લીધે લોકોમાં ધૃણા ઉભી થાય તેના બદલે માત્ર હકાકારાત્મક પ્રચાર કરીને પ્રજાના દિલમાં સ્થાન ઉભુ કરવા કોંગ્રેસ હાઇકમાન્ડે રણનિતી બનાવી છે. તેના ભાગરૂપે જ હવે આઇટી સેલ આપની ઇચ્છા, અમારો સંકલ્પ એ કેમ્પઇન લોન્ચ કરવા નક્કી કર્યું છે જેમાં માત્ર કોંગ્રેસ પક્ષ શું કરવા માંગે છે, જો સરકાર બને તો, કેવા પ્રજાલક્ષી કામો કરવા માંગે છે તેવા મુદ્દાઓ સમાવી હકારાત્મક પ્રચાર કરશે.
ઉલ્લેખનીય છે કે અત્યારે રોડ શો, પબ્લિક મિટીંગ, લોકસંવાદ જેવા અનેકવિધ કાર્યક્રમો થકી ગુજરાતના મતદારોનો સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે જેથી રાહુલ ગાંધી અને તેમની ટીમ કોઇ રાજકીય વિવાદમાં કોંગ્રેસ સપડાય નહીં તેનુ ધ્યાન રાખી રહ્યાં છે. એટલે જ કોંગ્રસ હવે નો નેગેટિવનુ મંત્ર અપવાની ચૂંટણી પ્રચાર કરશે.


