વોશંગ્ટનઃ મિશિગન સ્ટેટ કોર્ટે ગુજરાતી મૂળના વ્યક્તિને રૂ. 24 કરોડની હેલ્થકેર છેતરપિંડી અને મની લોન્ડરિંગ આરોપસર દોષિત ઠેરવ્યો છે. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર, 43 વર્ષીય યોગેશ પંચોલીએ પોતાની માલિકીની શ્રીંગ હોમકેર હેલ્થ કંપનીના નામે સમગ્ર કૌભાંડ આચર્યું હતું.
એક રિપોર્ટ મુજબ, મેડિકેર બિલિંગમાંથી તેને બહાર કરવામાં આવ્યો હોવા છતાં પંચોલીએ ખોટા નામ, સહીઓ અને બોગસ દસ્તાવેજોના આધારે શ્રીંગ હોમકેર હેલ્થ કંપની ખરીદી હતી. પંચોલી અને તેના મળતિયાઓએ બે મહિનાના સમયગાળામાં મેડિકેર સર્વિસના નામે રૂપિયા 24 કરોડ સેરવી લીધા હતાં. આ નાણાંના બદલામાં તેમણે કોઈ પણ પ્રકારની સર્વિસ આપી નહોતી. પંચોલીએ આ નાણાંને પોતાના બેન્ક ખાતામાંથી શેલ કંપનીઓમાં જમા કરાવ્યા હતાં. આ શેલ કંપનીઓના માધ્યમથી બધી રકમ તેણે ભારતના પોતાના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરી હતી. પંચોલીએ કેસની સુનાવણી દરમિયાન અમેરિકાની એફબીઆઈ સહિતની એજન્સીઓને સરકારી સાક્ષી વિરૂદ્ધ આક્ષેપો કરતાં અનેક ઈમેઈલ લખ્યાં હતાં.
મિશિગન કોર્ટે પંચોલીને હેલ્થકેર છેતરપિંડી, મની લોન્ડરિંગ, ખોટી ઓળખનો ઉપયોગ અને પુરાવા સાથે છેડછાડ મામલે દોષિત ઠેરવ્યો હતો. પંચોલીને 10 જાન્યુઆરીના રોજ સજા ફટકારવામાં આવશે. જાણકારોના મતે, તેને અલગ અલગ મામલાઓમાં 20 વર્ષ સુધીની મહત્તમ સજાનો સામનો કરવો પડી શકે છે.