ગાંધીનગર: યૂક્રેનમાં હાલમાં ગુજરાતના આશરે 3000 જેટલા વિદ્યાર્થીઓ એમબીબીએસનો અભ્યાસ કરતા હોવાનું મનાય છે. આવી જ એક વિદ્યાર્થિનીના પિતાનું કહેવું છે કે, ભારતમાં ખાનગી કોલેજમાં મેડિકલનો અભ્યાસ કરવો હોય તો આશરે રૂ. 1.5 કરોડ જેટલી ફી થાય છે, જ્યારે યૂક્રેનમાં છ વર્ષના કોર્ષ માટે કુલ રૂ. 27 લાખનો જ ખર્ચ થાય છે એટલે અમે દીકરીને અભ્યાસ માટે યૂક્રેન મોકલી હતી. રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે યૂક્રેનમાં ૨૫૦૦થી ૩૦૦૦ વિદ્યાર્થીઓ ફસાયેલા હોવાની વિગતો સામે આવી છે.
એક વિદ્યાર્થિનીના વાલીએ કહેલી વાત અને વિદ્યાર્થીઓની સંખ્યા અંગે ગુજરાત સરકારના અંદાજના આધારે ગણતરી કરીએ તો કુલ 3000 વિદ્યાર્થીઓમાંથી પ્રત્યેકના રૂ. ૨૭ લાખ લેખે ગણીએ તો કુલ આંકડો રૂ. 810 કરોડને આંબે છે. હાલ યૂક્રેનમાં આ વિદ્યાર્થીઓના જીવનમરણનો પ્રશ્ન છે ત્યારે એમ કહી શકાય કે કરોડો રૂપિયાના ખર્ચ છતાં આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગેલું છે.


