• મધ્ય, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદઃ રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગત સપ્તાહે તોફાની પવન અને ગાજવીજ સાથે એકથી ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. જેમાં ડાંગના આહવા અને આસપાસના વિસ્તારમાં ભારે વરાદ પડ્યો હતો. આહવામાં બે ઇંચ, વઘઈમાં સવા ઇંચ અને સુબીરમાં એક ઇંચ વરસાદ થયો હતો. નવસારી જિલ્લાના વાસદામાં અર્ધો ઇંચ વરસાદ પડ્યો હતો. તાપી જિલ્લાના નિઝરમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદથી ચીખલી, બારડોલી, વલસાડમાં ૫૦ વીજપોલ ધરાશાયી થતાં અંધારપટ છવાયો હતો. સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. નેત્રંગ, છોટાઉદેપુર તાલુકામાં વાવાઝોડા સાથે છુટોછવાયો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત તાલાલા (ગીર), ઉના અને વેરાવળના વિસ્તારોમાં દોઢથી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો.
• મુસ્લિમ પરિવારે બનાવેલા કોડીયાની વિદેશમાં માગઃ હિન્દુઓના તહેવાર દિવાળીમાં કોડિયા-દીવડાનું અનોખું મહત્ત્વ હોય છે. ડીસા તાલુકાના ઝેરડા ગામે એક મુસ્લિમ પરિવાર કલાત્મક કોડીયા બનાવે છે. જેની અન્ય રાજ્યોની સાથે વિદેશમાં પણ ભારે માગ રહે છે. સલ્લુભાઈ સુમરા અને તેમનો પરિવાર ઘણા વર્ષથી દિવાળીમાં દીવા પ્રગટાવવા માટે માટીમાંથી વિવિધ ડિઝાઈનના કલાત્મક કોડીયા બનાવે છે. અંદાજે ૪૦થી પણ વધારે કારીગરો આ કામમાં વ્યસ્ત બને છે.
• સુપ્રસિદ્ધ ભજનિક બિંદુ ભગતનું અવસાનઃ શ્રી ખોડિયાર ભક્તિધામ ઓગણજના પ્રણેતા એવા સુપ્રસિદ્ધ આખ્યાનકાર તથા કીર્તનકાર બિંદુ ભગતનું ૮૩ વર્ષની ઉંમરે શરદ પૂનમના દિવસે મંગળવારે અવસાન થયું છે.