ગાંધીનગરઃ અમદાવાદના અસારવામાં ૧૧૦ એકરમાં વિસ્તરેલી એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલને રૂ. ૧,૪૫૦ કરોડના ખર્ચે અત્યાધુનિક મેડિસિટીમાં અપગ્રેડ કરાઈ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ હોસ્પિટલનું ર૮મી ફેબ્રુઆરીએ લોકાર્પણ કરશે. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ, કમિશનર સહિતના અધિકારીઓ સાથે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સોમવારે ન્યૂ સિવિલ હોસ્પિટલના એક એક વિભાગમાં રૂબરૂ નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હાર્ટ, કિડની, આંખ, ડેન્ટલ, કેન્સર જેવા અનેક સ્પેશિયાલિસ્ટ વિભાગોના બિલ્ડિંગ અદ્યતન સાધનોથી સજ્જ કરાયા છે. કેમ્પસમાં જ મેડિકલ અને પેરામેડિકલ કોલેજ કાર્યરત છે. હજારો સ્ટાફ ખડેપગે સેવા આપે છે અને દર્દીઓ, તેમના સગાઓને રહેવા જમવાની પણ સુવિધા છે. એટલું જ નહીં, દર્દીઓના સગાઓને કેમ્પસમાં આવાગમન માટે ચાર મિનીબસો પણ સેવારત છે. આ દરેક સુવિધાઓમાં વધારા સાથે ન્યૂ સિવિલનું લોકાર્પણ થશે.

