રૂ. ૧૦ હજાર કરોડનું GST કૌભાંડઃ પુત્ર-પુત્રીના નામે ૬ પેઢી, સસરો બોગસ બિલ બનાવતો, જમાઇ ઘરાક શોધી લાવતો

Tuesday 12th January 2021 14:53 EST
 

અમદાવાદ: અમદાવાદ નોર્થ કમિશનરેટની સેન્ટ્રલ જીએસટીની ઇન્વેસ્ટિગેશન ટીમે શહેરના કેટલાક ઝવેરીઓ દ્વારા આચરવામાં આવેલા રૂ. ૧૦ હજાર કરોડના બોગસ બિલિંગ દ્વારા રૂ. ૩૦૦ કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. જીએસટીની ટીમે શહેરના ન્યૂ રાણીપના શુકન સ્માઇલ સિટીમાં રહેતા ભરત ભગવાનદાસ સોનીની બોગસ બિલિંગ કૌભાંડમાં છઠ્ઠીએ ધરપકડ કરી છે.
સોના, ચાંદી, હીરા અને જ્વેલરીની ખરીદીના રૂ. ૨૪૩૫.૯૬ કરોડના બોગસ બિલ બનાવી રૂ. ૭૨.૨૫ કરોડની બોગસ ઈનપુટ ક્રેડિટનું કૌભાંડ કર્યાની ઝવેરીએ કબૂલાત પણ કરી છે. આરોપી ભરત ભગવાનદાસ સોની અને તેનો પરિવાર છેલ્લાં ૧૦ વર્ષથી કરચોરી કરતા હોવાની કબૂલાત પણ કરી છે. આ બોગસ બિલિંગ કૌભાંડમાં શહેરના નામી જ્વેલર્સ અને બુલિયનના વેપારીઓનાં નામો સામે આવ્યાં છે.
સસરા-જમાઈ બોગસ બિલ બનાવતા
ભરત ભગવાનદાસ સોની, પુત્ર-પુત્રી અને જમાઈઓ વેટ સમયથી કરચોરી કરતા આવ્યા છે. વેટ સમયે આધુનિક સોફ્ટવેર કે ટેકનોલોજી નહીં હોવાથી પકડાતા નહોતા. સસરા ભરત સોની દ્વારા કરાતા કૌભાંડમાં બંને જમાઈઓ સાથ આપતા હતા. પરિવારજનોના નામે બનાવેલી આ પેઢીમાં ભરત સોની બોગસ બિલો બનાવતો હતો. જ્યારે તેમના જમાઈઓ નીતિન અને આદર્શ દ્વારા જે લોકોને બિલોની જરૂરિયાત હોય તેવા લોકોને શોધી લાવતા હતા. એક બોગસ બિલ પર તેઓ ૨૫૦૦થી ૩૦૦૦ રૂપિયા લેતા હતા.
અમદાવાદ શહેરના બુલિયન ટ્રેડર્સની સંડોવણી
રૂ. ૧૦ હજાર કરોડથી વધુના આ બોગસ બિલિંગ કૌભાંડમાં સંડોવાયેલા બધા મોટાં માથાં અમદાવાદ શહેરના બુલિયન ટ્રેડર્સ જ છે. આ બધાએ અંદરોઅંદર સિન્ડીકેટ રચીને એકબીજાને સોના-ચાંદી તેમજ ડાયમંડનો માલ વેચ્યાના બોગસ બિલ જનરેટ કર્યા હતા. વાસ્તવમાં આવી લેણદેણના કોઈ ફિઝિકલ વ્યવહાર કે ડિલિવરી થઈ જ નહોતી. બીજી તરફ આ બોગસ બિલ રજૂ કરીને સરકાર પાસેથી તેના પ્રમાણમાં બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લેવાતી હતી. જીએસટી વિભાગના અંદાજ અનુસાર૧૦ હજાર કરોડના આ બોગસ બિલિંગ કૌભાંડમાં ૩૦૦ કરોડથી વધુની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઓળવી લેવાઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter