રૂ. ૨૦ લાખ કરોડના પેકેજમાં ગુજરાતને શું મળશે?

Wednesday 20th May 2020 04:23 EDT
 
 

અમદાવાદઃ કેન્દ્ર સરકારના ૨૦ લાખ કરોડ રૂપિયાના આત્મનિર્ભર ભારત રાહત પેકેજથી લઘુ અને મધ્યમ ઉદ્યોગો - એમએસએમઇ સેક્ટરને બૂસ્ટર ડોઝ મળી જશે. સવિશેષ તો એમએસએમઇ સેક્ટરને ૩ લાખ કરોડની લોન ફાળવણીની જાહેરાતથી ગુજરાતને વધુ લાભ થવાની આશા છે. દેશમાં કુલ ૪૫ લાખ પૈકી ૧૦ ટકાથી વધુ એમએસએમઇ ગુજરાતમાં છે જેના કારણે ગુજરાતને સરેરાશ રૂ. ૬૫૦૦૦થી ૭૦૦૦૦ કરોડનો ફાયદો થવાનો આશાવાદ ટોચના ઉદ્યોગ નિષ્ણાતોએ વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત સૌથી વધુ ફાયદો એમએસએમઇની વ્યાખ્યા બદલવામાં આવી છે તેનાથી થશે. મોટા ભાગના ઉદ્યોગો રાહત પેકેજમાં આવરી લેવાશે.

ગેરેન્ટી ફ્રી લોન ૪ વર્ષ માટે હશે

ગુજરાતના પાયાના સેક્ટર ગણાતાં રિયલ એસ્ટેટ, ફાર્મા, કેમિકલ્સ, ટેક્સટાઇલ-ગારમેન્ટ, એનબીએફસી, હોસ્પિટાલિટી સહિત ઉત્પાદન સેક્ટર તેમજ ખેડૂતોને સીધો લાભ થશે. લઘુ અને મધ્યમ ઉદ્યોગો-એમએસએમઇ સેક્ટરને લોન ફાળવણી કરાઇ છે જેમાં ગેરેન્ટી ફ્રી લોન ૪ વર્ષ માટે હશે અને પ્રથમ વર્ષે પ્રિન્સિપલ રકમ ચૂકવવી પડશે નહિ. જેના કારણે ઉદ્યોગોને એક વર્ષ સુધી નાણાંભીડનો સામનો નહીં કરવો પડે.ગુજરાતમાં ઉદ્યોગો કોરોના મહામારીના કારણે વેન્ટિલેટર પર હતા ત્યારે બુસ્ટર ડોઝ મળી જવાના કારણે ઝડપી રિકવર થઇ શકશે.

નાના વેપારી અને શ્રમિક વર્ગને લોન

એક તરફ પરપ્રાંતીયો વતનની વાટે છે ત્યારે ૧૪મી મેએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વેપારી અને શ્રમિકો માટે મહત્ત્વની જાહેરાત પણ કરી છે. લોકડાઉનની સ્થિતિમાંથી ઝડપભેર જનજીવન પૂર્વવત્ થાય તે માટે નાના કારીગરો, નાના વેપારીઓ, વ્યકિતગત કારીગરો, શ્રમિક વર્ગને ફ્રી વ્યવસાય રોજગારીમાં બેઠા કરવાની બહુહેતુ ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ની જાહેરાત કરાઈ છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’ અંગે જણાવ્યું કે, રાજ્યમાં ૧૦ લાખથી વધુ નાના ધંધા-રોજગાર વ્યવસાયકારો જેવા કે ધોબી, વાળંદ, ઇલેક્ટ્રિશિયન, કરિયાણાની નાની દુકાન વગેરેનો સમાવેશ થાય છે તેવા વર્ગોને આ યોજના અંતર્ગત રૂ. ૧ લાખ સુધીની લોન રાજ્યની કો-ઓપરેટિવ બેંકો, જિલ્લા સહકારી બેંકો અને ક્રેડિટ સોસાયટીઓ દ્વારા માત્ર ર ટકાના વાર્ષિક વ્યાજે આપવામાં આવશે.

એફોર્ડેબલ હાઉસિંગને ફાયદો થશેઃ જક્ષય શાહ

કોરોના વાઇરસના પગલે લોકડાઉન જાહેર કરવાની ફરજ પડતાં દેશમાં રિયલ એસ્ટેટ સહિતના ક્ષેત્ર પર ઘણી નકારાત્મક અસર પડી રહી છે. આ અંગે ક્રેડાઈના નેશનલ પ્રમુખ જક્ષય શાહે કહ્યું હતું કે, ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કિમ સાથે રૂ. ૭૦ હજાર કરોડનું રાહત પેકેજ મળતાં એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રને પુનઃ જીવન મળશે.
આ પગલાંથી રોજગારીનું સર્જન થશે અને એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રે પણ માગ વધશે. આ સાથે કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રી સાથે સંલગ્ન ક્ષેત્રોને પણ તેનાથી લાભ મળશે.
વડા પ્રધાનના હાઉસિંગ ફોર ઓલ બાય ૨૦૨૨ વિઝનનું સપનું પૂરું કરવા આ યોજનાનો સફળતાપૂર્વક અમલ કરવો ખૂબ જરૂરી છે.
તેમણે ઉમેર્યું હતું કે અમને આશા છે કે નાણા પ્રધાન દ્વારા ત્રીજા આર્થિક પેકેજની જાહેરાતમાં લિક્વિડિટી, સિમેન્ટની કિંમતોમાં કરાતાં કાર્ટેલાઈઝેશન પર કાબૂ તેમજ પ્રોજેક્ટ સાઈટો શરૂ કરવા સપ્લાય ચેઈનને પુનઃજીવિત કરવા જેવા મુદ્દા આવરી લેવાશે. આ ઉપરાંત ઘર ખરીદદારોને હોમલોનમાં વધુ છૂટછાટ આપવી, એ પણ સમયની જરૂરિયાત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter