અમદાવાદઃ હેલ્થકેર ક્ષેત્રની ભારતની જાણીતી કંપની કેડિલા ફાર્માના સીએમડી રાજીવ મોદી અને તેમનાં પત્ની મોનિકા મોદી વચ્ચે ૩૦મી ઓગસ્ટે બપોરે થયેલો ખટરાગ સોલા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. ગરવારે પોલિએસ્ટરના ડાયરેક્ટર મોનિકાએ આક્ષેપ મૂક્યો હતો કે સ્ત્રી મિત્રો સાથે રાજીવના સંબંધના લીધે અવારનવાર તેમના ઝઘડા થતા. તેમનું ગળું દબાવીને હત્યા કરવાના કથિત પ્રયાસને પગલે વિવાદ આજે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. હાઇકોર્ટના સિનિયર વકીલોની ફોજ લઇને બંને સોલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તે પછી ૬ કલાકની સમજાવટની દંપતી વચ્ચે થયેલું સમધાન કેટલીક શરતોને આધીન હતું. સમાધાનની મુખ્ય શરત મુજબ રાજીવ અને મોનિકા પરસ્પર સહમતીથી છૂટાછેડા લેશે. રાજીવ કાયમી ભરણપોષણ પેટે મોનિકા મોદીને રૂ. ૨૦૦ કરોડ ચૂકવશે.
પોલીસ સ્ટેશનમાં રાજીવ અને મોનિકા વચ્ચે સમાધાન માટે જે ૬ કલાકનો દોર ચાલ્યો તે પહેલાં જ બન્ને વચ્ચે છૂટાછેડા લેવાનું તો લગભગ નક્કી જ હતું, પરંતુ છૂટાછેડા કઇ શરતે થાય તે અંગે જ સંમતિ સાધવામાં ૬ કલાક નીકળી ગયા હતા. મોનિકા મોદી મોટી રકમની માગણી કરતા હતા, જે આપવા માટે રાજીવ તૈયાર ન હતા. એક સમયે તો વાટાઘાટો લગભગ ભાંગી પડી હતી અને મોનિકા પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા તૈયાર થઇ ગયાં હતાં. જોકે બન્ને પક્ષના વકીલો વચ્ચેની વાટાઘાટના અંતે રાજીવ કાયમી ભરણપોષણ પેટે રૂ. ૨૦૦ કરોડ આપવા સંમત થતાં મામલાની પતાવટ થઈ હતી.

