રૂ. ૩૯ લાખની ફોર્ચ્યુનર માટે લકી નંબર ખરીદવા રૂ. ૩૪ લાખ ખર્ચ્યા!

Sunday 06th December 2020 04:54 EST
 
 

અમદાવાદઃ અમદાવાદ આરટીઓમાં ગાડીની કિંમત જેટલી જ રકમનો ખર્ચ કરીને મનપસંદ નંબર લેવામાં આવ્યો હોવાની રસપ્રદ વિગત સામે આવી છે. ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા એક યુવકે રૂ. ૩૯ લાખની કિંમતની કાર માટે પસંદ કરેલા ‘૭’ નંબર માટે રૂ. ૩૪ લાખ જેટલી તોતિંગ રકમ ખર્ચી નાંખી છે. આ નંબર માટે એક કરતા વધુ અરજદારો હોવાથી નંબરની હરાજી કરવામાં આવી હતી અને બોલી રૂ. ૩૪ લાખ પર જઈને અટકી હતી. અમદાવાદ આરટીઓમાં કોઈ એક નંબર માટે આટલી મોટી રકમ ઉપજી હોય તેવી કદાચ આ પ્રથમ ઘટના હશે.
અમદાવાદ આરટીઓ દ્વારા પસંદગીના નંબર માટે ઓનલાઈન ઓક્શન યોજાતું હોય છે. નવા નંબરની સિરીઝ ખુલે ત્યારે પસંદગીના નંબર માટે દરખાસ્ત મંગાવવામાં આવે છે અને જો કોઈ એક નંબર માટે એક કરતા વધુ અરજદારોએ રસ દાખવ્યો હોય તો તે સંજોગોમાં હરાજી કરવામાં આવે છે. પસંદગીના નંબર માટે પણ ગોલ્ડન નંબર, સિલ્વર નંબર અને અન્ય નંબર એમ ત્રણ કેટેગરી પાડવામાં આવેલી છે. ગોલ્ડન નંબર કેટેગરીમાં આવતા હોય તેવા નંબરો રૂ. ૨૫ હજારમાં, સિલ્વર નંબરો માટે રૂ. ૧૦ હજાર અને અન્ય નંબરો માટે રૂ. ૫ હજાર ભરવાના હોય છે. દરમિયાન, ૨૪ નવેમ્બરે અમદાવાદ આરટીઓમાં ફોર વ્હીલરની નવી સિરીઝની હરાજી થઈ હતી. જેમાં WA સિરીઝ માટે થયેલી દરખાસ્તમાં ‘૭’ નંબર માટે એક કરતા વધુ અરજદારોએ અરજી કરી હતી.
આ પછી નંબરની ઓનલાઈન હરાજી યોજવામાં આવી હતી. હરાજી શરૂ થયા બાદ એક પછી અરજદારો બોલી લગાવતા ગતા હતા અને બોલી ધીમે-ધીમે કરતા રૂ. ૩૦ લાખને વટાવી ગઈ હતી. ત્યાર બાદ પણ બોલી ચાલુ રહેતા છેવટે રૂ. ૩૪ લાખમાં આ નંબર વેચાયો હતો. આ નંબર ખરીદનાર આશિક પટેલ એક ટ્રાન્સપોર્ટર છે અને તેમને પહેલાથી જ ચોક્કસ નંબરોનો ભારે શોખ છે. નંબરો સાથે તેમની લાગણી જોડાયેલી હોવાથી તેમણે ઊંચી કિંમત ચૂકવીને પણ આ નંબર ખરીદ્યો હતો. આ નંબર તેમણે જે કાર માટે ખરીદ્યો તે ટોયોટા ફોર્ચ્યુનર કાર છે. આ કાર તેમણે રૂ. ૩૯ લાખમાં ખરીદી હતી અને હવે તેનો નંબર રૂ. ૩૪ લાખમાં લીધો છે. આમ, નંબર સાથે જોઈએ તો કારની કિંમત હવે રૂ. ૭૩ લાખ પર પહોંચી ગઈ છે. આશિક પટેલ પાસે અગાઉ પણ ‘૭’ નંબર હતો અને તેથી તેણે આ નંબર માટે મસમોટી રકમ ચૂકવી હોવાનું જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter