અમદાવાદઃ થોડા દિવસો પહેલાં જ અમદાવાદ મ્યુનિસિપાલિટીની ટીપી કમિટી અને ઔડાના બોર્ડ દ્વારા લક્ષ્મીપુરા-ગોપાલપુર-સૈજપુરના ૧૦૦થી વધુ સરવે નંબરોને ખેતી ઝોનમાંથી બદલીને રહેણાક ઝોન કરવાની દરખાસ્ત મંજૂર કરાઈ હતી. જેમાં વસાણી બિલ્ડર અને તેમના પરિવારના ૩૦થી વધુ સરવે નંબર હતા. આ ઝોનફેરની દરખાસ્ત અંગે ભાજપના કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલ અને ધારાસભ્ય નલિન કોટડિયાની થયેલી વાતચીતનું સ્ફોટક ટેલિફોનિક રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાઇરલ થયું છે.
ટેપમાં સુરેન્દ્ર પેટેલે એવું કહ્યું છે કે, ખોડલધામવાળાએ ઝોનફેરની દરખાસ્ત સરકારે ઉપલા લેવલ સુધી મંજૂર કરાવી હતી. સુરેન્દ્ર પટેલે કહ્યું છે કે ખોડલધામની જમીન માટે છેક બેનના લેવલ સુધી આખું ક્લિયર થયું હતું જ્યારે નલિન કોટડિયાએ સામેથી એવું કહ્યું છે કે, હું જ્યારે હરીશ વસાણીને મળ્યો હતો ત્યારે તેમણે એવું કહ્યું હતું કે, પાર્ટીમાં (ભાજપને) રૂપિયા ચાર કરોડ ફંડ આપવાના બદલામાં ઝોનફેર કરાયું છે.


