અમદાવાદઃ બોલીવૂડ ફિલ્મોમાં ફાયનાન્સ કરનાર અને રૂ. ૫૦ કરોડના જમીન કૌભાંડમાં સંડોવાયેલા મુંબઈના ચીટર બિલ્ડર મોહમ્મદ યુસુફ લાકડાવાલાની અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઇમિગ્રેશન વિભાગે ધરપકડ કરી છે.
યુસુફ લાકડાવાલા મુંબઈથી ટ્રાન્ઝીટ લઈ અમદાવાદથી વાયા લંડન ભાગવાની ફિરાકમાં હતો, પરંતુ તેનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો હતો. ઇમિગ્રેશન વિભાગના અધિકારીઓ સાથે તેણે ગોઠવણ કરવાની પણ કોશિષ કરી જવા દેવાની આજીજી કરી હતી. જોકે લુકઆઉટ નોટિસ હોવાથી ઇમિગ્રેશન વિભાગે અટકાયત કરી પોલીસ હવાલે કરી દીધો હતો.
અમદાવાદ એરપોર્ટ પરથી યુસુફ લાકડાવાલાએ ઇમિગ્રેશનમાં પાસપોર્ટ આપ્યો ત્યાં જ અધિકારીઓએ તેની અટકાયત કરી હતી. યુસુફની સાથે તેની પત્ની શબીના પણ લંડન જતી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, યુસુફ મુંબઈમાં તરીકે બિલ્ડર સક્રિય હોવા ઉપરાંત બોલીવુડમાં મોટું ફાયનાન્સ પણ કરે છે. થોડા સમય પહેલા તેણે ખંડાલાની એક જમીનમાં ૫૦ કરોડનું કૌભાંડ આચર્યું હતું, જે કેસમાં તેની ધરપકડ કરાઇ છે.