અમદાવાદઃ વર્લ્ડ વેલ્થ રિપોર્ટ મુજબ સૌથી સમૃદ્ધ દેશોમાં ભારત છઠ્ઠા ક્રમે છે. અને આ અહેવાલ મુજબ ગુજરાત ૫૬ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. આ આંકડો ચોક્કસપણે એક અંદાજ માત્ર છે. ચોક્કસ આંકડો આનાથી અનેકગણો વધારે હોઈ શકે છે.
વિશ્વના ૧૯ દેશ જેટલો જીડીપી માત્ર ગુજરાત ધરાવે છે. રાજ્યના જીડીપીમાં ફાર્માસ્યુટિકલ સેક્ટર ઉપરાંત સુરતના ડાયમંડ સેક્ટરનો મોટો ફાળો છે. વર્ષે પાંચ લાખ કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતો સુરતનો હીરા ઉદ્યોગ વર્ષે ૨ લાખ કરોડ રૂપિયાના હીરા એક્સપોર્ટ કરે છે.
૪ મંદિરની કુલ આવક રૂ. ૧૦૦ કરોડ
ગુજરાતના ચાર મોટા મંદિરોની વાર્ષિક આવક ૧૦૦ કરોડ રૂપિયા કરતા વધારે છે. જેમાં અંબાજીની વાર્ષિક આવક સૌથી વધુ ૪૨ કરોડ રૂપિયા છે. જ્યારે દેશના ૧૨ જ્યોર્તિલિંગમાં પ્રથમ સ્થાન ધરાવતા સોમનાથ મંદિરની આવક ૪૦ કરોડ રૂપિયા છે જેમાંથી આઠ કરોડ રૂપિયા તો માત્ર પ્રસાદની આવક છે. ડાકોરનું સુપ્રસિદ્ધ રણછોડરાયજી મંદિર ૧૨ કરોડ રૂપિયાની આવક સાથે ત્રીજા નંબરે છે. તો દ્વારકાધીશ મંદિરની વાર્ષિક આવક ૧૦ કરોડ રૂપિયા છે.
૧ વર્ષમાં ૧ લાખ કરોડ
રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા (આરબીઆઇ)ના અહેવાલ મુજબ માર્ચ ૨૦૧૭ સુધીમાં રાજ્યની બેંકોમાં પડેલી ડિપોઝીટનો આંકડો ૬.૨ લાખ કરોડ રૂપિયાને આંબે છે. માર્ચ ૨૦૧૬ સુધી આ આંકડો ૫.૩ લાખ કરોડ રૂપિયા હતો. આમ ૧ લાખ કરોડ રૂપિયાનો એક જ વર્ષમાં વધારો થયો છે. માત્ર બે જ ગામ - ધર્મજ (રૂ. ૧૨૦૦ કરોડ) અને માધાપર (રૂ. ૫૦૦૦ કરોડ)ની કુલ થાપણ ૬ હજાર કરોડ રૂપિયાથી વધારે છે.
અંદાજે ૭ હજાર ટન સોનું
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (ડબ્લ્યુજીસી)ના અહેવાલ મુજબ ભારતીય પરિવારો પાસે અંદાજે ૨૩થી ૨૪ હજાર ટન સોનું છે. આમાંથી માત્ર ગુજરાતીઓ જ ૬થી ૭ હજાર ટન સોનું ધરાવે છે. આ આંકડો જોકે ચોક્કસ નથી, પણ તેના દ્વારા અંદાજ મેળવી શકાય છે કે સોનું ખરીદવામાં ગુજરાત અન્ય રાજ્યોની હોડમાં છે.
સૌથી વધુ ધનપતિ અમદાવાદમાં
બાર્કલેના તાજેતરના અહેવાલ મુજબ ગુજરાતમાં ૫૮ લોકો પાસે ૨ લાખ ૫૪ હજાર ૪૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે. જેમાં ગૌતમ અદાણી સૌથી વધુ ૭૧,૮૦૦ કરોડ ધરાવે છે. જ્યારે ઝાયડસ કેડિલા જૂથના પંકજ પટેલ ૩૨,૧૦૦ કરોડ રૂપિયા ધરાવે છે. કરોડપતિઓમાંથી ૮૪ ટકા જેટલા અમદાવાદમાં
વસે છે.


