રૂ. ૬૫૦૦ કરોડનો કૌભાંડી જતીન મહેતાને પરિવાર સાથે મોન્ટેનેગ્રોમાં મોજ!

Monday 17th February 2020 05:24 EST
 
 

અમદાવાદઃ બેંકો સાથે કરોડો રૂપિયાના ફ્રોડમાં સંડોવાયેલા વિનસમ ડાયમંડઝ એન્ડ જ્વેલરીના પ્રમોટર જતીન મહેતા અને તેનું કુટુંબ દક્ષિણ યુરોપમાં હોવાનું અને બાલ્કન કન્ટ્રી - મોન્ટેનેગ્રોમાં તેણે ધંધો શરૂ કર્યો હોવાનું બહાર આવ્યું છે. વર્ષ ૨૦૧૬માં હીરા ઉદ્યોગમાં અગ્રણી ગણાતા જતીન મહેતાની માલિકીની વિનસમ ડાયમંડ્ઝ ‘વિલફુલ ડિફોલ્ટર’ બની હતી. બેંકો સાથે કરોડોની છેતરપિંડી કરનાર જતીન મહેતાના કેસની તપાસ કરનારી ૪ સેન્ટ્રલ એજન્સીઓ ઈડી, સીબીઆઈ, સિરિયસ ફ્રોડ ઈન્વેસ્ટિગેશન ઓફિસિસ (એસએફઆઈઓ) અને આઈટીમાંથી સીબીઆઈએ જણાવ્યું છે કે, જતીન મહેતા અને તેના પરિવાર વિરુદ્ધ ઓછામાં ઓછા ૧૦ કેસ રજિસ્ટર્ડ છે. તપાસ એજન્સીઓએ જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૮માં જતીન, તેની પત્ની સોનિયા, કેનેરા બેંકના બે પૂર્વ ચેરમેન - મેનેજિંગ ડિરેક્ટર, ૧૫ સરકારી કર્મચારીઓ સહિત ૨૧ જણા સામે ચાર્જશીટ ફાઈલ થયું હતું.
જતીન મહેતા અને તેના પરિવારના દસ્તાવેજો પરથી ભેદ ખૂલ્યો
 મોન્ટેનેગ્રો કેપિટલ પોડગોરિકામાં શરૂ કરાયેલી કંપનીઓ જતીન મહેતા અને તેના કુટુંબીજનોની હોવાનું ડોક્યુમેન્ટની તપાસ બાદ જાણવા મળ્યું છે. કંપની રજિસ્ટ્રાર, પોડગોરિકાની વેબસાઈટ પર પેગાસસ કન્સલ્ટન્સી લિમિટેડ અને એડેમેન્સ ઈન્ટરનેશનલ નામની બે કંપનીઓ ૨૫ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ રજિસ્ટર્ડ થયેલી છે. પેગાસસ કન્સલ્ટન્સી લિમિટેડમાં જતીન મહેતાની માલિકીની છે જ્યારે તેની પત્ની સોનિયા મહેતા એડેમેન્સ ઈન્ટરનેશનલમાં ૧૦૦ ટકા માલિકી ધરાવે છે. આ બંને કંપનીઓ હોલસેલ ટ્રેડ કરે છે. ૨૦૧૭માં પોડગોરિકામાં ‘મહેતા ગ્લોબલ કંપની’ નામે રજિસ્ટર્ડ થયેલી કંપનીમાં જતીન મહેતાના અંગત અને વિશ્વાસુ મુનીશ કુમાર ડાયરેકટર છે અને ૧૦૦ ટકા માલિકી ધરાવે છે.
મહેતા અને ફેમિલી રેસ્ટોરાં અને ફૂડ સર્વિસિસના વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે. આ પરિવારે પરંપરાગત ‘ડાયમંડ’નો વ્યવસાય જાળવી રાખીને જમીનના પ્લોટ ખરીદી, બિલ્ડિંગ પ્રોજેક્ટ હાથ ધરીને રિયલ એસ્ટેટમાં પણ ઝંપલાવ્યું છે. સીબીઆઈને જાણવા મળ્યું છે કે, જૂન, ૨૦૧૮માં જતીન મહેતા ખાનગી જેટમાં લંડન ગયો હતો. જોકે, લંડનથી તે ક્યાં ગયો તે જાણી શકાયું નહોતું. હવે આ નવી કંપનીઓ દ્વારા તેની તપાસ આગળ વધી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter