સુરત/રાજકોટ/મોરબીઃ સુરતમાં આવકવેરા વિભાગ દ્વારા ૧૮મીએ, શનિવારે રજા હોવા છતાં રાજ્યમાં કાળા નાણાં અંગે સરવે હાથ ધર્યો હતો. સુરતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ કુલ રૂપિયા ૭.૮૮ કરોડની બેનામી આવક જાહેર કરાઈ હતી. જ્યારે રાજકોટ, મોરબીમાં પણ સરવે દરમિયાન એક કરોડ રૂપિયાનું કાળું નાણું પકડ્યું હતું. મોરબીની બે પેઢીમાંથી ૯૧ લાખની કરચોરી ઝડપાઈ છે. સુરતમાં ટ્રાવેલર્સ, જ્વેલર્સ ITના સાણસામાં નોટબંધી બાદ રૂપિયા ૫૦ લાખથી વધુની ડિપોઝિટના એક હજાર કેસની વિગતો આવ્યા બાદ આવકવેરા અધિકારીઓએ શનિવારની રજા હોવા છતાં સુરતમાં કુલ જગ્યાએ સરવે હાથ ધર્યો હતો. ટ્રાવેલર્સ, ચીકનનો વેપારી, જ્વેલર્સ અને પીવીસ પાઈપના વેપારીઓ ITના સાણસામાં આવ્યા હતા. ઘોડદોડના એક ટ્રાવેલ્સવાળાને ત્યાં રૂપિયા ૮૦ લાખની નવી નોટ મળી આવતા સરવે સર્ચમાં તબદીલ કરાયો હતો. શનિવારે કાળા નાણાની સ્વૈચ્છિક કબૂલાત કરવા માટેની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ કુલ રૂપિયા ૭.૮૮ કરોડની બેનામી આવક જાહેર થઈ હતી. સાથે સુરતમાં યોજના હેઠળ થયેલી કબુલાતનો આંકડો ૧૦૦ કરોડ રૂપિયાને પાર થયો છે.

