અમદાવાદઃ વસ્ત્રાપુરમાં આવેલી સાઈ ઈન્ફો સિસ્ટમ લિ. તથા તેની સહભાગી કંપનીઓએ ૧૧ જેટલી બેંકોમાંથી રૂ. ૮૬૭.૪૩ કરોડની લોન મેળવીને ભરપાઇ નહીં કરતા પોલીસ ફરિયાદ બાદ સીબીઆઇએ ગુનો દાખલ કર્યો હતો. સીબીઆઇ બાદ અમદાવાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. લંબાણપૂર્વકની તપાસ બાદ કંપનીના માલિક સુનીલ કકક્ડની રૂ. ૫૬ કરોડની ૩૭ પ્રોપર્ટીઓ કામચલાઉ ટાંચમાં લીધી છે. જેમાં પ્લોટ, ફાર્મ હાઉસ, રહેણાક અને કમર્શિયલ મિલકતોનો સમાવેશ થાય છે.
ઈડીની તપાસમાં ખૂલ્યું કે, સુનીલે બેંકો તથા સરકારી કર્મચારીઓને લાંચ આપીને છેતરપિંડી આચરીને રૂ. ૮૬૭.૪૩ની લોન્સ બેંકો પાસેથી મેળવી હતી. બેંક લોન્સના નાણાં સુનીલના કહેવાથી હવાલા પાડીને વિદેશ મોકલવામાં રાજીવ ગુપ્તાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું તપાસમાં ખૂલ્યું હતું. ઈડીએ રાજીવ ગુપ્તાની ધરપકડ કરીને પૂછપરછ કરી તેમાં જણાયું કે રાજીવ ગુપ્તાની સહીથી રૂ. ૪.૫ કરોડની પ્રોપર્ટી ખરીદવામાં આવી હતી. વર્ષ ૧૯૯૨માં જ સુનીલ કક્કડે એક ભાગીદારી કંપની ખોલી હતી અને પોતાની વધુ ત્રણ કંપનીઓ પણ ખોલી બેંકોને છેતરી લોન લીધી હતી.

