ગાંધીનગર: મુખ્યપ્રધાનપદે વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાનપદે નીતિન પટેલે પાંચ વર્ષ પૂર્ણ કર્યા હતા. તેની ઉજવણીનાં ૭માં દિવસે મહાત્મા મંદિરથી રાજ્યમાં રૂ.૫,૩૦૦ કરોડના વિકાસ કામોના ઈ- લોકાર્પણ, ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે ભારત સરકારના ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીથી વર્ચ્યુઅલ સંબોધન કરતા કહ્યુ કે ”નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારથી તેમણે એવી વ્યવસ્થા ઉભી કરી છે કે એક નેતા જ્યારે બીજા કામમાં હોય, મુખ્યપ્રધાન તરીકે ન પણ હોય તો પણ આપોઆપ વિકાસ ચાલતો રહે. નરેન્દ્રભાઈના ગયા પછી પણ ગુજરાતમાં વિકાસ ખુબ સુંદર રીતે ચાલી રહ્યો છે. એ વિકાસને ગતિ આપવા ચાલકબળ પુરૂ પાડવું પડે, નેતૃત્વ પુરૂ પાડવું પડે. તેને આગળ વધારવાનું કામ કરવુ પડે. વિજયભાઈ અને નીતિનભાઈએ વડાપ્રધાન નરેન્દ્રભાઈના પદચિહ્નો પર ચાલીને ગુજરાતમાં વિકાસને ગતિ આપી, શાંતિ જાળવી છે. સુરક્ષા આપી છે. ચૌમુખી વિકાસનો રાહ ચિંધ્યો છે” તેમણે કોરોના સામેની કપરી લડાઈમાં ગુજરાતમાં સરકાર અને ભાજપ સંગઠનના કાર્યકરોએ ન ભૂલાય તેવી રીતે મુકાબલો કર્યોનો ઉલ્લેખ કરીને પ્રતિ ૧૦ લાખે સૌથી વધુ વેક્સિનેશન માટે દેશમાં સર્વપ્રથમ રહેવા માટે અભિનંદન પાઠવ્યા હતા.


