રૂપાણી સરકારનો રાજ્યાભિષેકઃ સૌરાષ્ટ્ર અને પાટીદારોનું પ્રભુત્વ

Thursday 28th December 2017 04:30 EST
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં સતત છઠ્ઠી વખત ભાજપ સરકારનો રાજ્યાભિષેક થયો છે. ગવર્નર ઓ. પી. કોહલીએ રાજ્યના મુખ્ય પ્રધાન પદે વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. સચિવાલય સંકુલમાં ૨૬ ડિસેમ્બરે યોજાયેલા શપથવિધિ સમારોહમાં મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન ઉપરાંત ૮ કેબિનેટ અને ૧૦ રાજ્યકક્ષાના પ્રધાનોએ શપથ લીધા હતા. સતત બીજી વખત રાજ્યનું સુકાન સંભાળી રહેલા મુખ્ય પ્રધાન રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની સરકારમાં જૂના અને નવા ચહેરાનો સમન્વય જોવા મળે છે. પ્રધાનમંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો જોવા મળે છે. સરકારમાં મુખ્ય પ્રધાન સહિત છ સભ્યો સૌરાષ્ટ્રના છે તો જ્ઞાતિ-જાતિના સમીકરણમાં પાટીદારો પ્રભાવ દેખાઇ રહ્યો છે. પાટીદાર સમાજના છ સભ્યોને પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે.
ભાજપ સરકારમાં સૌરભ પટેલનું પુનરાગમન થયું છે. જ્યારે સીટિંગ પ્રધાન બાબુ બોખીરિયાને પડતા મુકાયા છે. ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર. સી. ફળદુ અને બીજી ટર્મના ધારાસભ્ય ઈશ્વર પરમારને સીધું જ કેબિનેટ પ્રધાન પદ મળ્યું છે. રાજ્યક્ષાના પ્રધાન તરીકે વલ્લભ કાકડિયા અને રાજેન્દ્ર ત્રિવેદીને પડતા મૂકીને વિભાવરી દવે, રમણ પાટકર, કિશોર કાનાણી ને સ્થાન અપાયું છે. જ્યારે પરબત પટેલને ફરીથી પ્રવેશ અપાયો છે. પ્રધાનમંડળમાં વિભાવરી દવે એક માત્ર મહિલા છે.

મહાનુભાવોની હાજરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપરાંત લાલ કૃષ્ણ અડવાણી, કેન્દ્રીય પ્રધાનો રાજનાથ સિંહ, નીતિન ગડકરી, જિતેન્દ્ર સિંહ, એનડીએ શાસિત રાજ્યોના ૧૧ મુખ્ય પ્રધાનો યોગી આદિત્યનાથ (ઉત્તર પ્રદેશ), મનોહર પાર્રિકર (ગોવા), વસુંધરા રાજે (રાજસ્થાન), શિવરાજ ચૌહાણ (મધ્ય પ્રદેશ), ફડણવીસ (મહારાષ્ટ્ર), નીતિશ કુમાર (બિહાર) વગેરે, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા અને આનંદીબહેન પટેલ તેમજ સાધુ-સંતો-મહંતોની હાજરીમાં રૂપાણી સરકારે શપથગ્રહણ કર્યા હતા.

હજુ ૭ માટે શક્યતા

નવી સરકારનું કદ મુખ્ય પ્રધાન સહિત ૨૦ સભ્યોનું છે. બંધારણીય જોગવાઇ અનુસાર વિધાનસભા સંખ્યાબળ ૧૮૨ ધારાસભ્યોના ૧૫ ટકા એટલે કે ૨૭ ધારાસભ્યોને પ્રધાનમંડળમાં સ્થાન આપી શકાય છે. આથી, હજુ સાત ધારાસભ્યોને પ્રધાનપદની જવાબદારી સોંપી શકાય એટલી જગ્યા છે. પ્રધાનમંડળની રચના બાદ વિધાનસભાના અધ્યક્ષપદે ભાજપ કોને બેસાડશે તેના ઉપર સૌની નજર છે. વિધાનસભા એ સરકારનો ભાગ નથી. વિધાનસભાના ૧૮૨ ધારાસભ્યો ગૃહના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટતા હોય છે. સરકારની રચના બાદ હવે ગવર્નર ગૃહના વરિષ્ઠ સભ્યને ધારાસભ્ય તરીકે શપથ લેવડાવીને કાર્યકારી અધ્યક્ષ તરીકે તેમની નિમણૂંક કરશે. જેઓ બાકીના ૧૮૧ને ધારાસભ્ય પદના શપથ લેવડાવશે. ત્યારબાદ કાયમી અધ્યક્ષ અને ઉપાધ્યકષની ચૂંટણી થશે.

૮ કેબિનેટ પ્રધાનો

• આર. સી. ફળદુ (જામનગર ગ્રામ્ય) • ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા (ધોળકા) • કૌશિક પટેલ (નારણપુરા-અમદાવાદ) • સૌરભ પટેલ (બોટાદ) • ગણપત વસાવા (માંગરોળ) • જયેશ રાદડિયા (જેતપુર) • દિલીપ ઠાકોર (ચાણસ્મા) • ઈશ્વર પરમાર (બારડોલી)

૧૦ રાજ્યકક્ષાના પ્રધાનો

• પ્રદીપસિંહ જાડેજા (વટવા) • પરબતભાઈ પટેલ (થરાદ) • પરસોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય) • બચુભાઈ ખાબડ (દેવગઢ બારિયા) • જયદ્રથસિંહ પરમાર (હાલોલ) • ઈશ્વરસિંહ પટેલ (અંકલેશ્વર) • વાસણભાઈ આહીર (અંજાર) • વિભાવરી દવે (ભાવનગર પૂર્વ) • રમણભાઈ પાટકર (ઉમરગામ) • કિશોર કાનાણી (વરાછા રોડ-સુરત)

પ્રધાન મંડળમાં...

... પ્રથમ વખતઃ • આર. સી. ફળદુ • ઇશ્વર પરમાર • વિભાવરી દવે • રમણભાઈ પાટકર • કિશોર કાનાણી

... ફરી સ્થાનઃ • ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા • ગણપતસિંહ વસાવા • જયેશ રાદડિયા • દિલીપ ઠાકોર • પ્રદીપસિંહ જાડેજા • પરષોત્તમ સોલંકી • બચુભાઈ ખાબડ • જયદ્રથસિંહ પરમાર • ઇશ્વરસિંહ પટેલ

... પુનરાગમનઃ • સૌરભ પટેલ • કૌશિક પટેલ • પરબતભાઈ પટેલ • વાસણભાઈ આહિર

... પડતા મૂકાયેલાઃ • બાબુભાઈ બોખીરિયા • વલ્લભ કાકડિયા • રાજેન્દ્ર ત્રિવેદી

જાતિ પ્રમાણે પ્રતિનિધિત્વ

પાટીદાર - ૬
ઓબીસી - ૬
ક્ષત્રિય - ૩
આદિવાસી - ૨
બ્રાહ્મણ - ૧
જૈન - ૧
અનુ. જાતિ - ૧


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter