ગાંધીનગરઃ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતાના ૨૬ નંબરના સીએમ બંગલે કોરોનાના કારણે હોમ ક્વોરેન્ટાઈન થયાં છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને રાજ્ય ગૃહ પ્રધાન પણ તકેદારીનાં જરૂરી પગલાં લઈ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર, દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સાથે તેમના વિસ્તાર માટે બેઠકમાં ચર્ચા કરી હતી. આ બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને ગૃહ પ્રધાન પણ જોડાયા હતા. ઈમરાન ખેડાવાલાએ આ બેઠક પહેલાં નાદુરસ્ત તબિયતના કારણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ આ બેઠક પછી આવ્યો હતો અને પોઝિટિવ આવ્યો હતો. એ પછી આ બેઠકમાં હાજર સહિત ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવેલા આશરે ૨૮થી વધુ લોકોનાં રિપોર્ટ કરાયાં છે.
ઇમરાન ખેડાવાલાએ મુખ્ય પ્રધાન સાથે બેઠક કરી એ જ દિવસે જમાલપુરના મહિલા કોર્પોરેટર અઝરા કાદરીને ત્યાં ગયા હતા. ત્યાં અન્ય એક મહિલા કોર્પોરેટર રઝિયા સૈયદ પણ હાજર હતા. જેથી તે બંને સહિત ખેડાવાલાના સંપર્કમાં આવેલા કુલ ૨૮ લોકોને ક્વોરન્ટાઇનમાં મૂકી દેવાયા છે.
બહેરામપુરાના કોંગી કોર્પોરેટર બદરૂદ્દીન શેખ અને તેમના ઘરે કામ કરવા આવતાં કામવાળા બહેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બદરૂદ્દીનને પણ એસવીપીમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા અગાઉના છેલ્લા ૧૪ દિવસથી આમ તો તેઓ ઘરે જ હતા પરંતુ તે પહેલાં ફૂટ પેકેટના વિતરણ માટે પોતાના વોર્ડમાં અલગ અલગ સ્થળે ગયા હતા. તેમને શંકાસ્પદ લક્ષણો જણાતા તેમના સેમ્પલ લેવાયા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
મુખ્ય પ્રધાન નિવાસ બંગલા નં ૨૬
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સીએમ બંગલે હોમ ક્વોરેન્ટાઈન થયાં છે. ત્યારે નજીકનાં ઈતિહાસ પર નજર કરીએ તો આ જ ૨૬ નંબરના મુખ્ય પ્રધાન નિવાસમાં ૨૦૦૯માં તત્કાલીન મુખ્ય પ્રધાન અને નરેન્દ્ર મોદી પણ સ્વાઇન ફલૂનો ચેપ લાગતાં એક અઠવાડિયા સુધી ઘરમાં જ ક્વોરેન્ટાઈન થયા હતા. આમ તો ગાંધીનગરમાં પ્રધાન નિવાસમાં આવેલો ૨૬ નંબરનો બંગલો મુખ્ય પ્રધાનો માટે શુકનિયાળ માનવામાં આવે છે, પણ ઓકટોબર ૨૦૦૯માં તત્કાલીન મુખ્ય પ્રધાન અને અત્યારના વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના પ્રવાસેથી પરત આવ્યા ત્યારે તેમને સ્વાઇન ફલૂનો ચેપ લાગ્યો હતો. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ મુખ્ય પ્રધાન નિવાસસ્થાને જ એક અઠવાડિયું રહ્યા હતા અને આ દરમિયાન તેઓ કોઇ બેઠક કે જાહેર કાર્યક્રમમાં પણ ગયા ન હતા અને સેલ્ફ આઇસોલેશનમાં રહ્યા હતા.
ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પ્રધાન મંડળ નિવાસમાં આવેલો ૨૬ નંબરનો બંગલો આમ તો ઘણી સારી નરસી પળો કે ઘટનાઓનો પણ સાક્ષી રહ્યો છે. માધવસિંહ સોલંકીથી માંડીને શંકરસિંહ વાઘેલા સુધીની સરકારોમાં આ બંગલામાં રહેનારા પ્રધાનો - નેતાઓએ રાજકારણમાં ખૂબ ઊંચા શિખરો સર કર્યાના ઉદાહરણો પણ છે. ૨૦૦૧માં નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા પછી તેમણે ૨૬ નંબરનો આ બંગલો મુખ્ય પ્રધાન નિવાસમાં તબદીલ કરી દીધો હતો. ત્યારથી આ ૨૬ નંબરનો બંગલો હવે નંબર ૨ પ્રધાનના બદલે મુખ્ય પ્રધાનનો બંગલો બની ગયો છે.