અમદાવાદ: આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ કેન્દ્રીય પ્રધાનમંડળમાં ગુજરાતનુ કદ વધારાયું છે. હવે ચૂંટણીનો માહોલ ઉભો કરવા જ નહીં,પણ પાટીદાર-ઓબીસી મતદારોને રિઝવવા ભાજપ અત્યારથી જ રાજકીય પ્રયાસો આદર્યા છે.
આગામી વિધાનસભાની ચૂંટણીઓને જોતાં ભાજપે અત્યારથી ચૂંટણીઓને તૈયારીઓ શરૂ કરી છે તે જોતાં હાઇકમાન્ડે કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, દર્શના જરદોશ, મહેન્દ્ર મુજપરા, દેવુસિહ ચૌહાણને વિવિધ જિલ્લાઓની જવાબદારીઓ સાંપાઇ છે.
આ પાંચેય કેન્દ્રીય પ્રધાનો તા.૧૫મી ઓગષ્ટ બાદ ગુજરાતનો પ્રવાસ કરશે. એટલું જ નહીં, પાટીદાર-ઓબોસી સમાજના આગેવાનો સાથે સીધો સંવાદ કરશે. તા.૧૬ ઓગષ્ટથી માંડીને તા. ૧૯ ઓગષ્ટ સુધી કેન્દ્રીય પ્રધાનો ગુજરાતના જિલ્લાઓનો પ્રવાસ ખેડશે.
કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશને દક્ષિણ ગુજરાતના ૬ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આપની એન્ટ્રી થયા બાદ ભાજપ સજાગ બન્યુ છે. આપનું રાજકીય પ્રભુત્વ ઘટાડવા ભાજપે આ આયોજન કર્યુ છે. કેન્દ્રીય પ્રધાન રૂપાલા કડવા પાટીદાર છે એટલે તેમને ઉત્તર ગુજરાતમાં જવાબદારી સોંપાઇ છે. પાટીદાર સમાજ છેલ્લા કેટલાંય વખતથી ભાજપથી નારાજ છે એટલે જ મુખ્યપ્રધાન પાટીદાર હોવો જોઇએ તેવી માંગ પણ ઉઠી હતી. ગત વખતે પાટીદાર અનામત આંદોલનને કારણે ભાજપને નુકશાન વ્હોરવું પડ્યું હતું. હવે ભાજપને પાટીદારોની રાજકીય દુશ્મનાવટ પોષાય તેમ નથી તે જોતાં કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાને ય ગુજરાત પહોંચવા આદેશ કરાયો છે.
કેન્દ્રીય પ્રધાન માંડવિયા પણ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓનો પ્રવાસ કરી પાટીદાર નેતાઓ સાથે બેઠક યોજનાર છે. કેન્દ્રીય દેવુસિંહ ચૌહાણ મધ્ય ગુજરાતના ૬ જિલ્લાનો પ્રવાસ ખેડી લોકસંવાદ કરશે જયારે પ્રધાન મહેન્દ્ર મુજપરા સૌરાષ્ટ્માં ઓબીસી નેતાઓનો સંપર્ક કરી કેન્દ્ર-રાજ્યની કામગીરીની સિદ્ધિઓના બહાને ચૂંટણીલક્ષી ચર્ચા કરશે.


