રૂપિયો રમવામાં પત્ની કિંજલ સામે પાટીદાર નેતા હાર્દિક પટેલ હારી ગયો

Wednesday 30th January 2019 07:13 EST
 
 

ગાંધીનગર: પાટીદાર અનામતના નેતા હાર્દિક પટેલના સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના તેના કુળદેવી મંદિર, દિગસરમાં બાળમિત્ર કિંજલ પારેખ સાથે રવિવારે સંપૂર્ણ સાદગીથી સંપન્ન થયા હતા. હાર્દિકના ઘરે શનિવારે મંડપ મુહૂર્ત, દાંડિયા રાસ યોજાયા પછી રવિવારે વહેલી સવારે લગ્ન માટે દિગસર જાન પહોંચી ગઇ હતી. હાર્દિક પટેલે મેવાડના મહારાજાઓ પહેરે તેવી રૂ. ૧૧ હજારની શેરવાની, રૂ. ૧૧૦૦નો સાફો પહેરીને લગ્ન કર્યાં હતાં, આ બંને વસ્તુઓ રાજસ્થાનથી આવી હોવાનું રાજસ્થાન ‘પાસ’ના નેતા ગેહરીલાલ ડાંગીએ જણાવ્યું હતું.
જાનમાં વરકન્યા પક્ષના થઇને આશરે ૪૫૦ લોકો દિગસર આઠ કલાકે પહોંચી ગયા હતા અને ૧૨-૩૦ કલાકે લગ્નની મુખ્યવિધિ પૂરી થયા પછી ઊંધિયા, બે શાક, પૂરી, રોટલી, ચોકલેટ બાસુંદી સહિતના મેનુવાળું જમણ ૧-૩૦ કલાકે સંપન્ન થયું. આ પછી બપોરે ૨.૪૫ કલાકે તો જાન દિગસરથી રવાના થઇ વિરમગામ સાંજે સાડા પાંચ કલાકે પહોંચી ગઇ હતી.
લગ્ન પૂરા થયા પછી વરકન્યા ઘરે આવે પછી જે રૂપિયો રમાડવાની વિધિ થાય છે તે વિધિમાં જે જીતે તેનું દામ્પત્ય જીવનમાં ચાલે તેવી લોકવાયકા છે. આ પ્રમાણે જોઇએ તો લગ્ન સંપન્ન થઇ ગયા પછી વિરમગામના હાર્દિકના નિવાસસ્થાને રમાયેલી ઓડીયે-કોડીયેની વિધિમાં કિંજલ સામે હાર્દિક પટેલ હારી ગયો હતો. પાંચ વખત રમાયેલી વિધિમાં બે વખત હાર્દિક પટેલ જીત્યો હતો અને ત્રણ વખત કિંજલ જીતી ગઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter