ગાંધીનગરઃ વિશ્વમાં કમ્પ્યુટર્સ સિસ્ટમ્સ પર હુમલો કરી રહેલા રેનસમવેર વાઈરસે ગુજરાતમાં ભારે અસર કરી છે. સુરત, વડોદરા, રાજકોટ અને ભુજમાં વાઇરસે બેંક એટીએમ, પોલીસ વિભાગ, હોસ્પિટલ્સ, આરટીઓ, કલેક્ટોરેટ સહિત કેટલીક સરકારી કચેરીઓમાં હુમલો કર્યો છે. સરકારે કહ્યું છે કે રાજ્યમાં જી-સ્વાન સાથે સંકળાયેલા ૬૦ હજારમાંથી ૧૨૫ કમ્પ્યુટર્સને અસર થઇ છે. કચ્છમાં ૩૦૦થી ૬૦૦ બીટકોઇન્સ ખંડણીરૂપે માગ્યાના અહેવાલ છે. જોકે સરકારનો દાવો છે કે મહત્ત્વના ડેટા અને ડોક્યુમેન્ટ્સ સલામત છે. સરકારે સોફ્ટવેરમાં એન્ટિ વાઈરસ નાંખવાની શરૂઆત કરી છે. માઈક્રોસોફ્ટની સિસ્ટમ્સ પણ અપગ્રેડ કરાઈ રહી છે. અમદાવાદમાં વાઈરસની અસર નહીંવત છે, પરંતુ પોલીસના સાઈબર સેલે સાવચેતીના ભાગરૂપે એડવાઈઝરી જાહેર
કરી છે.
સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગના સચિવ ધનંજય દ્વિવેદીએ કહ્યું કે, ગાંધીનગર- સચિવલાયના એકપણ કોમ્પ્યુટરને વાઇરસની અસર થઇ નથી. રાજ્ય સરકારનો તમામ ડેટા સલામત છે. જી-સ્વાન સાથે ૬૦ હજાર જેટલા કોમ્પ્યુટર જોડાયેલા છે જે પૈકી ૧૨૫ જેટલા કમ્પ્યુટરોને અસર થઇ છે. તમામ જિલ્લા કક્ષાની કચેરીઓમાં જી-સ્વાન મારફતે અધિકૃત એન્ટિ વાઇરસ મોકલવામાં આવ્યા છે.


