અમદાવાદઃ હવે રેલવેની ટિકિટ બુક કરતી વખતે વિદેશી પ્રવાસીઓને જે તે દેશનો કોડ અને પાસપોર્ટ નંબર આપવાનો રહેશે. ભારતીય રેલવે પહેલી એપ્રિલથી ટિકિટ કાઉન્ટર પર પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (પીઆરએસ)માં ફેરફાર કરી નવી એપ્લિકેશન શરૂ કરવા જઇ રહી છે. ખાસ કરીને ભારતમાં આવતા વિદેશી પ્રવાસીઓના પ્રવાહને ધ્યાનમાં રાખીને આ નવી એપ્લિકેશનથી રેલવે પાસે પ્રવાસીઓનો એક ડેટા રહેશે. જેના કારણે દેશની સુરક્ષા પણ જળવાઇ રહેશે.
રેલવેએ ટિકિટ રિઝર્વેશન સેન્ટર્સ પર નવી વ્યવસ્થા લાગુ કરવાની તૈયારી કરી છે. સેન્ટર ફોર રેલવે ઇન્ફર્મેશન સિસ્ટમે નવી એપ્લિકેશન બનાવી છે, જેનાથી કાઉન્ટર પર રેલવેની ટિકિટ બને છે. પહેલી એપ્રિલથી રિઝર્વેશન સિસ્ટમ સાથે જાડાયેલી ઘણીય નવી ટેકનિકમાં ફેરફાર કરાશે. આમ થવાથી રેલવે પાસે વિદેશી પ્રવાસીઓનો એ ડેટા પણ રહેશે કે કયા પ્રવાસીઓએ ક્યાંથી કયા રેલવે સ્ટેશન સુધી મુસાફરી કરી. એટલું જ નહીં રેલવે ટિકિટ બનાવતી વખતે તમારું નાગરિકત્વ અને પાસપોર્ટ નંબર ટીટીઇ પાસે ઉપલબ્ધ રિઝર્વેશન ચાર્ટમાં પણ રહેશે.
વિદેશી પ્રવાસીઓના આંકડા એટલા માટે એકત્ર કરાશે કે રેલવેમાં નોંધ રહે કે પ્રવાસીઓએ સૌથી વધુ કયા રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી. જેથી ટુરિઝમને વેગ મળે અને રેલવે સ્ટેશનને વધુ અપગ્રેડ કરી શકાય. રેલવેને વિદેશી પ્રવાસીઓની મહત્ત્વની જાણકારી મળી શકે આની પાછળ સુરક્ષા પણ એક મોટું કારણ છે. કેટલીક વખત તો દેશની સુરક્ષાના કારણોસર આઇ.બી રેલવે પાસેથી વિદેશી પ્રવાસીઓનો ડેટા મંગાવે છે તો તેમની પાસે હોતો નથી. આમ નવી સિસ્ટમમાં પાસપોર્ટ નંબર અને કોડના આધારે રેલવેના ઝોનલ સ્તર પર એક ડેટા તૈયાર કરાશે. અત્યાર સુધી વિદેશી યાત્રીઓની એક રજિસ્ટરમાં એન્ટ્રી કરાતી હતી. જેથી ભારતમાં દર વર્ષે કેટલા પ્રવાસીઓ આવ્યા તેની રાષ્ટ્રીય સ્તરે રેલવેને જાણકારી મળી શકતી ન હતી. નવી પદ્ધતિથી સરળતાથી આ માહિતિ મળી રહેશે.
પાકિસ્તાની નાગરિક પર વોચ રખાશે
રેલવે તંત્રએ ટ્રેનમાં મુસાફરી કરતા પાકિસ્તાની નાગરિક પર પણ વોચ રાખવાનું નક્કી કર્યું છે. સમજોતા એક્સપ્રેસ કે અન્ય કોઇ ટ્રેનમાં રિઝર્વેશન થશે તો પાકિસ્તાની પ્રવાસીઓને પણ તેમના નામની આગળ કોડ અને પાસપોર્ટ નંબર લખાવવાનો રહેશે. જેના આધારે રેલવેના તમામ ઝોન પર આંકડા તૈયાર કરાશે.

