પેસેન્જરોની સુવિધામાં વધારો કરવા પ્રયાસ થઈ રહ્યા છે તેના ભાગરૂપે લેવાયેલા એક નિર્ણય પ્રમાણે હાલમાં જાહેર કરાયું છે કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે જો કોઈ પેસેન્જર અકસ્માતનો ભોગ બનશે તો રેલવે તેને રૂ. ૧૦ લાખનો વીમો આપશે.
ભારતીય રેલવે સ્કિમની જાહેરાત દિવાળી આસપાસ કરશે. સેવાનો લાભ મેળવવા પેસેન્જરોએ ટિકિટ બુક કરાવતી વખતે અલગથી રૂ. ૧૦ આપવા પડશે. અધિકારીઓના જણાવ્યા મુજબ પહેલાં પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરતી વેળાએ અકસ્માતનો ભોગ બને તો તેને રૂ. ૪ લાખ આપવામાં આવતા હતા, પરંતુ આગામી સમયમાં આ રકમ રૂ. ૧૦ લાખ જેટલી થશે.
• નવસારીના વેપારી આવકની ૨૫ ટકા રકમ સેનાને અપાશેઃ નવસારીના બિઝનેસમેન સતીશ પટેલે પોતાના પાર્ટી પ્લોટની આવકમાંથી ૨૫ ટકા રકમ ભારતીય સેનાને આપવાનો નિર્ધાર કર્યો છે. આ રકમ કોઈ સંસ્થાના માધ્યમથી અથવા ડાયરેક્ટ વડા પ્રધાન કે રક્ષા પ્રધાનને અપાશે. સતીશ પટેલે કહ્યું કે, તેમના પૂર્વજો સેનામાં હતા એટલે ભારતીય સેનાને મદદ કરવાની ભાવના
તેમનામાં છે.
• પાંચ વર્ષમાં સોનાની દાણચોરીમાં બે જ દોષીઃ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી છેલ્લાં દોઢ વર્ષમાં ૬૩.૧૫ કિ.ગ્રા. સોનું કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જપ્ત કરાયું છે. જેનું મૂલ્ય રૂ. ૧૬.૨૨ કરોડ છે. અમદાવાદ એરપોર્ટ ખાતેથી જુલાઈ ૨૦૧૪થી જાન્યુઆરી ૨૦૧૬ દરિયાન કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા કેટલું સોનું જપ્ત કરાયું તે અંગેની આરટીઆઈમાં આ ખુલાસો થયો છે. આરટીઆઈમાં દર્શાવેલી માહિતી અનુસાર આ દોઢ વર્ષમાં જે પણ સ્મગલર્સ, કેરિયર્સ કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ઝડપાયા છે તેમાંથી ૭૦ ટકાએ મિડલ ઈસ્ટથી મુસાફરી શરૂ કરી હતી. છેલ્લા પાંચ વર્ષમાં એટલે કે ૨૨ એપ્રિલ ૨૦૧૨થી ૨૩ જાન્યુઆરી ૨૦૧૬ સુધી અમદાવાદ એરપોર્ટ ખાતેથી ૧૧૫ કિ.ગ્રા. સોનું જપ્ત થયું છે. વધુ ચોંકાવનારી વિગત એ છે કે છેલ્લા પાંચ વર્ષમાં સોનાની દાણચોરી બદલ માત્ર બે લોકો જ દોષિત ઠર્યા છે.
• એસજી હાઈવે ૬ લેન બનશે, ટોલ ટેક્સ નહીંઃ સરખેજથી ગાંધીનગરના ચીલોડા હવે કોઈ પણ ટોલબુથ વિના, ચાર રસ્તાના અવરોધ વિના નોન-સ્ટોપ પહોંચી શકાશે. એસ. જી. હાઈવેના ૪૩ કિલોમીટરના માર્ગને સિક્સ-લેન બનાવવાની મંજૂરી અપાઈ છે. છ જંક્શન અને એક સાણંદ જંકશન પર એમ કુલ સાત ફ્લાયઓવર બાંધવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. આ માટે રૂ. ૭૨૦ કરોડનું ફંડ પણ મંજૂર કરાયું છે. માર્ગ અને મકાન પ્રધાન નીતિન પટેલે તાજેતરમાં આ અંગે વધુ વિગતો આપતાં કહ્યું કે, એસ. જી. હાઈવેના આ પટ્ટા છ ફ્લાયઓવર સાથે સિક્સ-લેન કરવાની અગાઉ મંજૂરી હતી, પરંતુ તે સમયે કેન્દ્ર સરકારે આ રોડ પર ટોલ ઉઘરાવવાની શરત મૂકી હતી, પરંતુ ગાંધીનગર-અમદાવાદ તથા સૌરાષ્ટ્ર-ગાંધીનગર વચ્ચે રોજ અંદાજે એક લાખ જેટલા પેસેન્જરનો ટ્રાફિક રહે છે.
• વૈદેહીને વર્લ્ડ સ્કૂલ ગેમ્સમાં સુવર્ણ ચંદ્રકઃ ટ્રેબઝોન, તુર્કી ખાતેની ઈન્ટરનેશનલ સ્કૂલ ગેમ્સમાં ભારતને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયો છે અને આ સુવર્ણ ચંદ્રક મૂળ ગાંધીનગરની ખેલાડી વૈદેહી ચૌધરીએ ભારતને અપાવ્યું છે. ફાઈનલ ટેનિસ મેચમાં વૈદેહીએ તુર્કીની ખેલાડી સામે ૬-૩, ૬-૨થી જીત મેળવીને આ સિદ્ધિ હાંસલ કરી હતી.
• છેતરપિંડીમાં પરવીન દારૂવાલાના રિમાન્ડઃ નવસારીમાં રૂ. ૨૮.૩૪ લાખની છેતરપિંડી કરનાર પરવીન દારૂવાલાને ૨૬મીએ એક દિવસના પોલીસ રિમાન્ડ પર રખાઈ હતી. રુચિબહેન ગાંધીએ તેની સાવકી માતા પરવીન દારૂવાલા સામે ટાઉન પોલીસમથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે પિતા મહેન્દ્રભાઈ ગાંધી પરવીન દારૂવાલા સાથે પતિ-પત્નીની જેમ રહેતા હતા. ૨૦૧૦માં મહેન્દ્રભાઈનું અવસાન થયું હતું. મહેન્દ્રભાઈના અવસાન બાદ પરવીને બોગસ વીલના આધારે બેંક એકાઉન્ટ, વીમા, ટપાલબચત ખાતામાં પોતાનું નામ દાખલ કરાવ્યું હતું. એના આધારે કુલ રૂ. ૨૮.૩૪ લાખ ઉપાડી લીધા હતા. આ બાબતની જાણ તથાં રુચિએ હાઈ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હાઈ કોર્ટે નવસારી પોલીસને પરવીન દારૂવાલા સામે ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યો હતો. જેને પગલે નવસારી પોલીસે પરવીન દારૂવાલા સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી.

