અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. જોકે, આ વખતે મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દાઓને કારણે લોકો ભારોભાર નારાજ છે. લોકોને જાણે ચૂંટણીમાં રસ જ નથી. ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હજુ ચૂંટણી માહોલ જામતો નથી. રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકોની સભામાં ખુરશી ખાલી રહે છે. રોડ શોમાંથી પાંખી હાજરી જોવા મળી રહી છે. હાલ એવી સ્થિતિ છે કે રાજકીય પક્ષોની રેલી-સભામાં આવનારાને હજાર રૂપિયા રોકડાને ફૂડ પેકેટ આપવું પડે છે. આ ઉપરાંત સભા સ્થળે લાવવા લઈ જવા વાહનની વ્યવસ્થા કરવી પડે છે. આમ રેલી-સભામાં મોટી સંખ્યામાં લોકોને એકત્ર કરવા ભીડ મેનેજમેન્ટ કરવું પડી રહ્યું છે. આ જોતાં રેલી-સભામાં જે મેદની દેખાય તેમાં પક્ષના કાર્યકરો કરતાં ભાડૂતી માણસોની સંખ્યા વધુ હોય છે.
નેતાઓની જાહેર સભા હોય, રેલી હોય ત્યારે શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ લોકોને પૈસા આપીને સભામાં લઈ જવાય છે. આ ઉપરાંત કારખાના - ફેક્ટરીમાં કામ કરતા મજૂરોને નાણાં આપીને રેલીમાં લઈ જવાય છે. રોડ શોમાં આ રીતથી ભીડ ભેગી કરવામાં આવી રહી છે. સ્વયંભૂ કોઈ આવતું નથી.

