રોડ-શોમાં વડા પ્રધાનની ટોપીથી સૌ આકર્ષિત, ગુજરાત ભાજપમાં ખેસ વત્તા ટોપી છવાઈ

Sunday 20th March 2022 05:40 EDT
 
 

ગાંધીનગર: રોડ-શોના આરંભે જ એરપોર્ટ ઉપર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિત નેતાઓએ ઘેરા ભગવા રંગની ટોપી પહેરી હતી. હોડી આકારમાં જમણે ખુણે ‘ભાજપ’ લખાણની પટ્ટી અને ‘કમળ’ નિશાન ધરાવતી ટોપીએ ખાસ્સું એવું આકર્ષણ સર્જ્યુ હતું. હવે ગુજરાત પણ ભાજપ ખેસ વત્તા આ નવી ટોપીના પ્રતીકે ચૂંટણી સહિતના સંગઠનના કાર્યક્રમોમાં ઉતરશે એ નક્કી મનાય છે.
26 જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસની પરેડ વખતે વડા પ્રધાન મોદીએ ઉત્તરાખંડના પહાડોમાં પહેરાતી ‘બ્રહ્મકમળ’ ટોપી પહેરી હતી. ગુજરાતમાં રોડ-શો વખતે છવાયેલી ભગવા કમળ ટોપી અદ્દલ તેવી જ છાપ ધરાવે છે. 26 જાન્યુઆરીએ ધારણ કરેલા ‘બ્રહ્મકમળ’થી ઉત્તરખંડના નાગરીકોના તાર વડા પ્રધાન સાથે ભાવનાત્મક રીતે જોડાઈ ગયા હતા.
નરેન્દ્ર મોદી સંઘમાં સ્વયંસેવક પણ રહી ચૂક્યા છે. એંસીના દાયકામાં સંઘની કાળી ટોપી પહેરતા મોદીએ ગુજરાત ભાજપને નવી ભગવા કમળ ટોપી ગિફ્ટ કર્યાનું કહેવાય છે. ભાજપ તરફથી એવી જાહેરાત પણ કરવામાં આવી છે કે ગુજરાતમાં પણ ભાજપના તમામ નેતા અને કાર્યકરો પ્રચાર દરમિયાન આ ટોપી જ પહેરશે. ભારતીય રાજકારણમાં ટોપીનું પ્રતીક એ સહજ છે. ભાજપની સ્થાપના પૂર્વ જનસંઘ વખતે પણ મોટાભાગના નેતાઓ હોડી આકારની ટોપી પહેરતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter