અમદાવાદઃ લાંબા સમયના ઇંતેજાર બાદ ૧૫ ડિસેમ્બરથી શરૂ થયેલી લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઇટ બુધવારે સવારે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી પહોંચતા પ્રવાસીઓનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. ફ્લાઇટના ૧૮૦ પ્રવાસીઓમાં બાળકોથી માંડીને વયોવૃદ્ધનો સમાવેશ થતો હતો, પરંતુ લાંબી મુસાફરી છતાં તમામના ચહેરા પર એ વાતની ખુશી હતી કે તેઓને લંડનથી અમદાવાદની સીધી ફ્લાઇટનો લાભ મળ્યો હતો.
આ પ્રસંગે ટર્મિનલ પર ઉપસ્થિત સિવિલ એવિએશન વિભાગના રાજ્ય પ્રધાન જસાભાઈ બારડ, એનઆરઆઇ પ્રભાગના પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના નવનિયુક્ત મેયર ગૌતમભાઈ શાહ, ડેપ્યુટી મેયર પ્રમોદાબહેન સુતરિયા, વરિષ્ઠ પત્રકાર તથા ઓલ પાર્ટી કમિટી ફોર ડાયરેક્ટ ફ્લાઈટના ભારત ખાતેના કો-ઓર્ડીનેટર ભૂપતભાઇ પારેખ વગેરેએ પ્રથમ ફ્લાઇટમાં અમદાવાદ પહોંચેલા લંડનના કોર્પોરેટ સોલિસીટર મનોજ લાડવા અને એબીપીએલ ગ્રૂપના પ્રકાશક-તંત્રી સી. બી. પટેલ સહિત અન્ય પ્રવાસીઓને ફૂલહારથી આવકાર્યા હતા.
આ પ્રસંગે ટુરિઝમ વિભાગના કમિશનર એન. શ્રીવાસ્તવ, એનઆરઆઇ વિભાગના એડિશનલ સેક્રેટરી એન. પી. લવિંગિયા, ગુજરાત સ્ટેટ એનઆરજી ફાઉન્ડેશનના ડિરેક્ટર પી. વી. અંતાણી, રાજ્યના સિવિલ એવિએશન વિભાગના અધિકારી કેપ્ટન અશોક ચૌહાણ, અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીના સભ્યો, ગુજરાત ટુરિઝમના અધિકારીઓ તેમજ ગુજરાત સમાચાર - એશિયન વોઈસના અમદાવાદ બ્યૂરોના કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના એનઆરઆઇ પ્રભાગના પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ લંડન-અમદાવાદ ફ્લાઈટના આગમન બાદ જણાવ્યું હતું કે, ‘આપણા સૌની માગણીને માન આપીને માનનીય વડા પ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતી સમુદાયને બ્રિટનથી ગુજરાતની સીધી એર કનેક્ટિવિટીની સુવિધા પૂરી પાડી તે બદલ ખૂબ જ ખુશી છે. આ પહેલાં મુસાફરોને મુંબઈથી અથવા તો દુબઈથી એર કનેક્ટિવિટી મળતી જે પ્રમાણમાં ઘણી ઓછી સુવિધાજનક હતી. વિશ્વભરમાં અને બ્રિટનમાં વસતા ગુજરાતીઓ હવે સીધા અમદાવાદ એરપોર્ટ પર જ ઉતરાણ કરી શકશે અને ઓછા સમયમાં સરળતાથી તેમના નિયત સ્થાને પહોંચી શકશે.’
લંડનથી વતન આવેલા એક પ્રવાસી અનિલાબહેને તેમના પ્રવાસ અંગે પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે, ‘ઘણા સમય બાદ ફરી શરૂ થયેલી લંડન-અમદાવાદની સીધી ફ્લાઈટની ખૂબ જ ખુશી છે અને આ ફ્લાઇટથી વતન આવતા મુસાફરોને ઘણી સુવિધા થઈ જશે. આ પહેલાં બ્રિટનના મુસાફરોએ મુંબઈ અથવા દુબઈ થઈને ગુજરાત આવવું પડતું તેનાથી ગુજરાતમાં ક્યાંય પણ પહોંચવામાં બહુ સમય જતો હતો. હવે એ સમયનો બચાવ થશે.’
આ જ ફ્લાઈટના અન્ય એક મુસાફર ક્ષમા પારેખે જણાવ્યું હતું કે, ‘લંડનથી અમદાવાદની સીધી ફ્લાઈટ મળી હોવાથી મુસાફરી કંટાળાજનક ન રહી અને સમયનો ઘણો બચાવ થયો.’ તેમણે જણાવ્યું કે, ‘ફ્લાઇટનું મુંબઈમાં રોકાણ થયું, પણ ક્યાંય વધુ ટાઈમનો બગાડ ન થયો. જો લંડનથી અમદાવાદની સીધી એર કનેક્ટિવિટીની સુવિધા પ્રવાસીઓને મળતી હોય તો મુંબઈમાં રોકાણની બાબત મોટી મુશ્કેલી નથી.’


