અમદાવાદઃ ઉત્તર પ્રદેશ અને બિહારની કેટલીક યુનિવર્સિટીઓમાંથી બોગસ ડિગ્રીકાંડથી ગુજરાતથી લંડનમાં ચાલતી કબૂતરબાજીનું કારસ્તાન પકડાયું છે. આ યુનિવર્સિટીઓ રૂ. ૫૬ હજાર લઈ વિદ્યાર્થીઓને બોગસ બીકોમની ડિગ્રી બનાવી આપે છે જેના આધારે ગુજરાતમાંથી તાજેતરમાં અમદાવાદ એરપોર્ટ પર ઈમિગ્રેશન વિભાગે છ વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. આ વિદ્યાર્થીઓ અમદાવાદથી લંડનમાં અભ્યાસ માટે સ્ટુડન્ટ વિઝા પર જતા હતા. આખા નેટવર્કમાં લંડનમાં ગેરકાયદે ઘૂસણખોરીના કૌભાંડમાં કેટલાક લોકો લાખો રૂપિયા પડાવતા હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદ એરપોર્ટ પરથી એર એતિહાદની ફ્લાઈટમાં તાજેતરમાં લંડન જતા કેયુર પટેલ (વડોદરા) અને એર ઈન્ડિયાની ફ્લાઈટમાં જતા સાગર પ્રજાપતિ (નડિયાદ) પાસપોર્ટ ક્લિયરન્સ માટે ઈમિગ્રેશનમાં ગયા હતા. તેમના પાસપોર્ટ પર લંડનના વિઝા લિગલ હતા, પરંતુ ગ્રેજ્યુએશનના અને કોલેજના એજ્યુકેશનલ ડોક્યુમેન્ટ જોડેલા હતા તેમાં બી.કો.મની ડિગ્રી ખોટી હોવાની શંકા અધિકારીને થઈ. એ પછી ઘટસ્ફોટ થયો કે છત્તીસગઢના બિલાસપુરની ડો. સી. વી. રામન યુનિવર્સિટીમાંથી રૂ. ૫૬ હજાર ભરીને તેમણે બોગસ ડિગ્રી મેળવી હતી. આ ગેરકાયદે કામગીરી માટે વલ્લભ વિદ્યાનગરના મોટા બજારમાં આવેલા એઆઈએસસીઈટીના સંચાલક શિરિન પટેલે એજન્ટ કલ્પેશભાઈને વિઝા અને લંડનની યુનિવર્સિટીમાંથી એડમિશન કરાવી આપવાની કામગીરી સોંપી હતી. આ સમગ્ર રેકેટમાં એજન્ટ વિદ્યાર્થીઓ પાસેથી રૂ. પાંચ લાખ પડાવતા હતા. અગાઉ
અમદાવાદ એરપોર્ટ પરથી એર ઈન્ડિયાની લંડનની ફ્લાઈટમાં વડોદરા જિલ્લાના વાઘા ગામના રિષભ પટેલ (ઉં. ૨૩) અને નવસારી જિલ્લાના પટેલ ચાલીમાં રહેતા રોશન પટેલ (ઉં. ૨૪)ને પણ બોગસ ડિગ્રીના આધારે અભ્યાસાર્થે લંડન જતા પકડી લીધા હતા. ઈમિગ્રેશન વિભાગે આ બંને વિદ્યાર્થીઓની પણ શંકાના આધારે પૂછપરછ કરી તો બંને ઉત્તર પ્રદેશના કાનપુરમાં આવેલી છત્રપતિ શિવાજી મહારાજ યુનિવર્સિટીની બીકોમની ડિગ્રી કેવી રીતે મેળવી? તેનો સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા.