અમદાવાદઃ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એર પોર્ટને આંતરરાષ્ટ્રીયકક્ષાની સુવિધાઓના બણગા ફૂંકવામાં આવે છે, પરંતુ ઉત્તરાયણમાં બે દિવસ દરમિયાન રન-વે પર મોટી સંખ્યામાં પતંગો અને ચાઇનીઝ તુક્કલો પડતાં રન વે પર વિમાની ઉડાનમાં મુશ્કેલી ઊભી થઈ હતી. જોકે ઓથોરિટીએ તાકીદે આ સમસ્યાનો નિકાલ કરવાની કોઇ વ્યવસ્થા કરી નહોતી. અમદાવાદ એર પોર્ટની આસપાસ રહેઠાણવાળો વિસ્તાર હોવાથી ઉત્તરાયણના બે દિવસ દરમિયાન રન-વે પર મોટી સંખ્યામાં પતંગો-તુક્કલો પડી હતી, જેના કારણે અનેક ફલાઇટોને ટેકઓફ-લેન્ડિંગમાં પાયલોટે ભારે સાવચેતી રાખવી પડી હતી. એર પોર્ટ સાથે સંકળાયેલા સૂત્રો જણાવે છે કે ખાસ કરીને સાંજે ચાઇનીઝ તુક્કલો ગમે ત્યારે વિમાનને અકસ્માતનું જોખમ ઉભું કરી શકે છે. જો કદાચ એન્જિનમાં સળગેલી તુક્કલ ફસાઇ જાય તો આગ લાગીને મોટો અકસ્માત થવાનો ભય રહેલો છે.
એર ઇન્ડિયાની (એઆઇ-૧૭૨) નેવાર્ક-લંડનથી વાયા અમદાવાદની ફલાઇટ ૧૪મીએ રાતે અઢી વાગે અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થઇ હતી. ફલાઇટમાં ઓનબોર્ડ ૧૫૦થી વધુ મુસાફરો હતા. પાયલોટે ફલાઇટને રન-વે પર લેન્ડ કરી ત્યારે દોરીઓનો જથ્થો ફસાઇ ગયો હતો. પાયલટને એન્જિનમાં કંઇ ફસાઇ ગયું હોવાની જાણ થઇ હતી. પરંતુ ઇમરજન્સી બ્રેક માર્યા વિના જ પાયલટ સુરક્ષિત રીતે વિમાનને પાર્કિંગ તરફ લઇ ગયો હતો.
પાયલટે તાત્કાલિક જ એર ઇન્ડિયાના ગ્રાઉન્ડ સ્ટાફના ઉચ્ચ અધિકારીને જાણ કરી હતી કે એન્જિનમાં કંઇક ફસાઇ ગયું છે. આ દરમિયાન એર ઇન્ડિયાનો ટેકનિકલ સ્ટાફ તાકીદે બોલાવવામાં આવ્યો હતો અને એન્જિન ચેક કરતાં દોરીઓનો જથ્થો એન્જિનમાં ફસાઈ ગયો હોવાનું જણાયું હતું.
લગભગ ૪૫ મિનિટ સુધી ટેકનિકલ ટીમે એન્જિનમાંથી દોરીઓ બહાર કાઢવાની મજૂરી કરી હતી.


