અમદાવાદ, લંડન: અખંડ ભારતના શિલ્પી એવા લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલે જે ધરતી પર બેરિસ્ટરની પદવી મેળવી હતી ત્યાં તેમના જીવનકવનનો અર્ક રજૂ કરતી ‘સરદાર કથા’નું અનોખું આયોજન થયું છે. ગુજરાતની અગ્રણી સામાજિક સંસ્થા સરદાર ધામ અને નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન્સ (NCGO)ના સંયુક્ત ઉપક્રમે લંડનના આંગણે પહેલી વખત 20 અને 21 સપ્ટેમ્બરના રોજ ‘સરદાર કથા’ યોજાઇ રહી છે.
સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્ત્વનો ભાગ ભજવનાર સરદાર વલ્લભભાઈ પટેલની સાર્ધ શતાબ્દી (150મી જન્મજયંતી અંતર્ગત) વર્ષ નિમિત્તે આ કથા યોજાઇ રહી છે. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે યુવાશક્તિના સર્વાંગી વિકાસ માટે આયોજિત આ કથામાં મુખ્ય વક્તા પદે પૂર્વ ક્લાસ વન અધિકારી અને મોટિવેશનલ સ્પીકર શૈલેષ સગપરિયા છે.
આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવા માટે ગુજરાતથી સરદારધામના પ્રમુખ ગગજીભાઇ સુતરિયા અને સરદાર કથાના કો-ઓર્ડિનેટર મનીષ કાપડિયા સહિત 20 સભ્યોનું પ્રતિનિધિ મંડળ લંડન આવી રહ્યું છે.
આ કથામાં ‘યુનિક એન્ડ ઈનક્રેડિબલ સ્ટોરીસ ફ્રોમ ધ લાઈફ ઓફ સરદાર’ વિષય અંતર્ગત સરદાર વલ્લભભાઈ પટેલના પ્રેરણાદાયી જીવનપ્રસંગો રજૂ કરાશે. શૈલેષભાઇનું કહેવું છે કે અત્યાર સુધીમાં 11 સરદાર કથાનું આયોજન થઈ ચૂક્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલના જીવન વિશે જાણવા માટે 35 જેટલાં વિવિધ પુસ્તકો અને રિસર્ચ પેપરનો અભ્યાસ કર્યો છે.
‘સરદાર કથા’ના કો-ઓર્ડિનેટર મનિષ કાપડિયાને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું કે અંગ્રેજોએ દુનિયાના દેશો પર રાજ કર્યું છે. આપણા લોકો સરદાર વલ્લભભાઈ પટેલને લોખંડી પુરુષ અને રજવાડાંઓ એકત્રિત કરીને અખંડ ભારતના નિર્માણમાં ખૂબ જ મોટી ભૂમિકા ભજવી છે આટલી જ વાતો જાણીએ છીએ. ત્યારે તેમના જીવન અને સંઘર્ષમાંથી લોકોને પ્રેરણા મળે અને તેમના જીવનમાંથી કંઈ બોધપાઠ લઈ શકીએ તે માટે આ કથાનું આયોજન કરાયું છે.
શૈલેષ સગપરિયાઃ બહુમુખી વ્યક્તિત્વ
‘આજની વાર્તા’ રૂપે લાખો લોકોને મોબાઈલ પર વોટ્સએપના માધ્યમે ટૂંકી રસપ્રદ અને બોધપ્રદ વાર્તાઓ પીરસી દેશ-પરદેશના ગુજરાતીઓમાં આગવી ઓળખ ઊભી કરનાર શૈલેષભાઇ સગપરિયા ગુજરાત સરકારના સિનિયર ક્લાસ વન અધિકારી તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. યુવા પેઢીના માર્ગદર્શક શૈલેષભાઇ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને નાત-જાતના ભેદભાવ વગર નિઃસ્વાર્થ ભાવે માર્ગદર્શન અને પ્રેરણા આપીને અનેકને સરકારી નોકરી મેળવવામાં મદદરૂપ બન્યા છે. સૌરાષ્ટ્રના મોવિયા જેવા નાના ગામમાં સામાન્ય પરિવારમાં જન્મ લેનારા શૈલેષભાઇએ કુટુંબને મદદરૂપ થવા અભ્યાસ સાથે ખેતરમાં મજૂરી કરી, ઓફિસબોય તરીકે કામગીરી કરી, હીરા પણ ઘસ્યા, અને સાથે જાતને પણ ઘસીને ઊજળી બનાવી. આથી તેઓ પૂ. પ્રમુખસ્વામી મહારાજ અને હાલ પૂ. મહંતસ્વામી મહારાજના કૃપાપાત્ર બની શક્યા છે.
નબળી આર્થિક પરિસ્થિતિ તેમના અભ્યાસમાં અડચણરૂપ બની શકી નહીં અને એમ.કોમ. બાદ તેઓ GPSC દ્વારા લેવાયેલી ક્લાસ વનની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં ત્રીજા ક્રમે આવ્યા હતા. તેમની બોધકથા કહેવાની રીતે એટલી સરળ અને રસપ્રદ છે કે સાક્ષરો તેમને વાર્તાના પર્યાય તરીકે ઓળખાવે છે. વિવિધ વિષયો પર તેમનાં 33 પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે. એમના લખાયેલાં પુસ્તકને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત પણ કરાયું છે. તેમના મોટાભાગના પુસ્તકો બેસ્ટસેલર થયા છે અને બધાની મળીને લાખો નકલો વેચાઈ ચૂકી છે. શૈલેષભાઇ એક કુશળ વક્તા પણ છે. ગુજરાત સહિત સમગ્ર ભારતમાં તેમના વ્યાખ્યાનો અને સેમિનારો યોજાતા રહે છે. (સમય-સ્થળ સહિતની વિગત માટે જૂઓ પાન 6)