લકવાગ્રસ્ત પગે પણ મુકેશ ચલાવે છે કેબ

Saturday 04th April 2020 06:29 EDT
 
 

અમદાવાદઃ ટેક્સી ડ્રાઈવર મુકેશ ભારતી (ઉ.વ. ૩૫)ને બંને પગમાં લકવો છે. જોકે તે જે ટેક્સી ચલાવે છે તે કાર મોડિફાઈડ છે. મુકેશ ૫ વર્ષનો હતો ત્યારે તેને પોલિયોની અસર થઈ અને શરીરનો નીચેનો ભાગ લકવાગ્રસ્ત થઈ ગયો હતો. જોકે તેને પહેલાથી જ કાર ચલાવવી ખૂબ જ ગમતી હતી અને અંતે તે પોતાની તમામ મર્યાદાઓ ઉપર વિજય મેળવીને ઉબર કંપની સાથે કેબ પાર્ટનર તરીકે જોડાયો. કદાચ ભારતમાં કંપની સાથે જોડાયેલા ડ્રાઈવરો પૈકી આવી શારીરિક ખોડખાંપણ સાથેનો તે પ્રથમ ડ્રાઈવર છે.

મુકેશભાઈએ પોતાની મોડિફાઈડ કારમાં ઓટો ગિયર સ્ટિક ફીટ કરી છે જે કારના ક્લચ સાથે જોડાયેલી છે જ્યારે કારની બ્રેક હાથથી ઓપરેટ થાય તેવી વ્યવસ્થા કરાઈ છે. તેમજ સ્ટિયરિંગની નજીક આવેલ લીવરના કારણે ભારતી ખૂબ ચોક્સાઈ અને સાવધાનીપૂર્વક કાર ચલાવી શકે છે. કમ્પ્યુટર સાયન્સમાં ડિપ્લોમાં એન્જિનિયરિંગ કરનાર મુકેશ ભારતીએ આ પહેલાં કોર્પોરેટ ઓફિસ, કેપીઓ અને બીપીઓમાં ૧૨ વર્ષ સુધી બેકઓફિસમાં કામ કર્યું.

ભારતીએ કહ્યું કે અનેક જગ્યાએ નોકરી માટે પ્રયોસ કર્યાં પરંતુ મારી શારીરિક સ્થિતિના કારણે લોકો મને સ્વીકારતા નહોતા. મારી આવકના સાધનો ખૂબ જ ઓછાં હતાં. પત્ની અને દીકરી સાથે વેજલપુરમાં રહેતા ભારતીની તેના જ મિત્રએ મજાક ઊડાવી ત્યારે તેના જીવનમાં પરિવર્તનની ક્ષણ આવી. ભારતી કહે છે કે મને ડ્રાઈવિંગ કરવું ખૂબ જ ગમતું હતું જેથી મેં મારા મિત્રને કહ્યું કે શું તેની જેમ આવી કોઈ કેબ કંપની માટે કામ કરી શકું તો તેણે મારી મજાક ઉડાવી હતી.

ભારતીય એક મિકેનિકે મોડિફાઈડ કરી આપેલું સ્કૂટર ચલાવતો હતો. જોકે એ પછી કેબ કંપની માટે કાર ચલાવવાનો દ્રઢ નિશ્ચય કર્યો. મુકેશ કહે છે કે મેં ઉબર કંપની વિશે ૬ મહિના સુધી તપાસ કરી અને બધી માહિતી મેળવી. આ દરમિયાન જ્યારે બેંકે રેકોર્ડ જોઈને કાર લેવા માટે લોન મંજૂર કરી તો ખુશીનો પાર ન રહ્યો. એક નાની પણ ઓટોમેટિક કાર હું લઈ આવ્યો અને રૂ. ૪૫ હજારના ખર્ચે તેને મોડિફાઈ કરાવી.

કાર તૈયાર થઈ પછી અમદાવાદ ઉબરની ઓફિસ ગયો. મારા માટે આ અનુભવ અપેક્ષા કરતા સાવ જુદો રહ્યો. કંપનીમાં મારી એન્ટ્રી સાવ સરળતાથી થઈ ગઈ. આ સફળતામાં મારી પત્ની જ મારી સૌથી મોટી મદદગાર અને હિંમત આપનાર છે. હું પહેલાં મહિનામાં કમાતો હતો તે હવે હું એક સપ્તાહમાં કમાઉં છું. હાલમાં જ મને કંપનીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમ્માનિત કરવામાં આવ્યો છે. ઉબર દ્વારા કહેવામાં આવ્યું છે કે અમને ગર્વ છે કે ભારતી જેવા માણસ અમારી કંપની સાથે જોડાયા છે અને તેમના આ મજબૂત મનોબળ માટે અમને ગર્વ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter