અમદાવાદઃ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લઘુમતી નાગરિક અને લોંગ ટર્મ વિઝા ઉપર ભારતમાં આવતા લોકો માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં કેટલીક છૂટછાટો જાહેર કરી છે. નવા નિયમોનો લાભ હિન્દુ, શીખ, બૌદ્ધ , જૈન, પારસી અને ક્રિશ્ચિયન વિસ્થાપિતોને મળશે. સલામતી માટે મહત્ત્વના વિસ્તારો અને રિસ્ટ્રીક્ટેડ એરિયાને બાદ કરતાં વિસ્થાપિતો હવે જે તે રાજ્યમાં કોઈપણ સ્થળે ફરી શકશે. વિસ્થાપિતો અત્યાર સુધી જે શહેરમાં રહેવાની મંજૂરી મળી હોય ત્યાં જ રહી શકતા હતા.
હવે નવા નિયમો મુજબ જે શહેરમાં રહેવાની મંજૂરી મળી હોય તે શહેર જે રાજ્યમાં આવેલું હોય એ રાજ્યમાં ગમે ત્યાં અવરજવર કરી શકશે. વિસ્થાપિતોને બીજા રાજ્યમાં જવું હોય તો ત્યાં મહત્તમ ૧૫ દિવસ જવા માટે જે તે રાજ્યના DCP, FRO, FRROની મંજૂરી લેવી પડશે. જો તબીબી સારવાર માટે જવું હોય અને ૧૫ દિવસથી વધુ સમય થાય તેમ હોય તો હોસ્પિટલનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. જો કોઈ વિસ્થાપિત બીજા રાજ્યમાં ટ્રાન્સફર થવા ઈચ્છે તો જ્યાં જવું હોય તે રાજ્યનું NOC રજૂ કરવાનું રહેશે.

