લાગણીનો મહેરામણઃ ABPLગ્રૂપની અમદાવાદ ઓફિસના ૧૧ વર્ષની સફળ યાત્રા

અચ્યુત સંઘવી Wednesday 15th February 2017 05:17 EST
 
 

અમદાવાદઃ હા, આ દિવસ લાગણીના મેળાવડાનો જ હતો. ઉદ્ઘોષિકા દ્વૈતાબહેન જોશીએ સાચું જ કહ્યું હતું કે, ‘લાગણીના મેળાવડામાં આપ સહુનું સ્વાગત છે. યુકેમાં વસતા ૮ લાખ ગુજરાતીનું પ્રતિનિધિત્વ કરતાં ABPL ગ્રૂપના સાન્નિધ્યમાં આપ સૌને હૃદયપૂર્વક આવકાર છે. આ અખબારી જૂથના સાપ્તાહિકો ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ની અમદાવાદ ઓફિસના શુભારંભને ૧૬ ફેબ્રુઆરીના રોજ ૧૧ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે તેની ઉજવણી કરવા આ મેળાવડો યોજાયો છે.’
ઈન્ડિયા બ્યૂરોની ૧૧ વર્ષની સફળ યાત્રાની ઉજવણી કરવા ગ્રૂપના પ્રકાશક-તંત્રી સી. બી. પટેલના યજમાનપદે શનિવાર, ૨૮ જાન્યુઆરીની સલૂણી સાંજે શહેરની નામાંકિત હોટેલ ફોર્ચ્યુન પાર્કમાં લાગણીસભર સંબંધોના સથવારે શાનદાર સમારંભ યોજાયો હતો. આ સમારંભ અનેક ભાવનાસભર દૃશ્યો અને અભિવ્યક્તિનો સાક્ષી બન્યો હતો. ઉદ્ઘોષિકા દ્વૈતાબહેન જોશીએ સમારંભનો મધુર આરંભ કરાવ્યા પછી પદ્મશ્રી એવોર્ડવિજેતા વિષ્ણુભાઈ પંડ્યા, વરિષ્ઠ પત્રકાર ભુપતરાય પારેખ, જીસીસીઆઇ સંચાલિત એનઆરજી કમિટીના ચેરમેન તથા ભૂતપૂર્વ હાઇ કમિશનર કે. એચ. પટેલ, સી.બી. પટેલ, મેનેજિંગ એડિટર કોકિલાબહેન પટેલ અને ખુશાલી દવેના હસ્તે દીપપ્રાગટ્ય કરાયું હતું.
આ ઝાકઝમાળભર્યા સમારંભમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્ય મંત્રી કાર્યાલયના ઓફિસર ઓન સ્પેશ્યલ ડ્યુટી માનનીય શ્રી ભાગ્યેશભાઇ જ્હા, આકૃતિ પ્રમોશન્સ એન્ડ મીડિયાના મેનેજિંગ ડિરેક્ટર પંકજ મુધોલકર, નવગુજરાત સમય દૈનિકના તંત્રી અજય ઉમટ, ડો. મફતભાઇ પટેલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભાષા વિભાગના વડા બળવંત જાની, ડો. હરિ દેસાઇ, ડો. ટીના દોશી, ડો. રિઝવાન કાદરી, ગુજરાત NRG સેન્ટરના પ્રમુખ કે. એચ. પટેલ વગેરેનો સમાવેશ થાય છે. આ સમારંભમાં હાજરી આપવા ‘ગુજરાત સમાચાર’ના કેન્યાનિવાસી વાચક-ચાહક અશ્વિનભાઈ દોશી ખાસ મુંબઇથી અમદાવાદ આવ્યા હતા.
દ્વૈતાબહેને માયાબહેનનો પરિચય આપતાં કહ્યું હતું કે, ‘સુમધુર કંઠના સ્વામિની માયાબહેન દીપકને કોણ નથી જાણતું. તેઓ ૧૯૮૫થી યુકેમાં સ્વર રેલાવતાં રહ્યાં છે. હવે તો તેઓ સીબી પટેલના માનસપુત્રી સ્વરુપે ABPLગ્રૂપના પારિવારિક સભ્ય બની ગયાં છે.' માયાબહેન દીપક દ્વારા ગુરુવંદના સાથે જ લાગણીના મેળાવડાની અસર સર્જાતી ગઈ. માયાબહેને ‘હમ કો મન કી શક્તિ દેના...’, ‘મધુબન ખુશ્બુ દેતા હૈ...’ અને ‘ઈક પ્યાર કા નગમા હૈ, મૌજો કી રવાની હૈ’ ગીતો ગાઈને ઓડિયન્સને રસતરબોળ બનાવી દીધું હતું.
આ પ્રસંગે એબી પબ્લિકેશન (ઇંડિયા) પ્રા. લિ.ના ડિરેક્ટર અને જાણીતા ઓન્કોલોજિસ્ટ ડો. ભાવેશભાઈ બી. પારેખે મહેમાનોનું સ્વાગત કરતા લાગણીસભર પ્રવચનમાં જણાવ્યું હતું કે, ‘સીબી પટેલ દર વર્ષે બધાને આમંત્રિત કરીને એક સેતુનું સર્જન કરે છે. આના પરિણામે જ આપણે બધા અહીં એકત્ર થયા છીએ. ABPLગ્રૂપની ઈન્ડિયા ઓફિસની સ્થાપનામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા શ્રી ભૂપતરાય પારેખ, કોકિલાબહેન પટેલ સહિત સર્વે આમંત્રિતોનું હૃદયપૂર્વક સ્વાગત કરવા સાથે આભાર માનું છું.’
આ પછી, સીબી પટેલની જીવનગાથાની ફિલ્મ દર્શાવવામાં આવી હતી. ફિલ્મમાં તેમના જીવનના સંઘર્ષ અને સફળતા, આંદોલનો અને મિત્રતા, સામાજિક કાર્યોની મહેંકને વણી લેવાઈ હતી. ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન અને વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક સમયે સી.બી. પટેલને ભારતીય સમુદાયના બિનરાજકીય એમ્બેસેડર ગણાવ્યા હતા તેમાં જરા પણ અતિશયોક્તિ નથી.
ગુજરાત સમાચારના મેનેજિંગ એડિટર કોકિલાબહેન પટેલે જણાવ્યું હતું કે આ સમારંભનું આયોજન આટલા મોટા પાયે કરાશે તેની કલ્પના પણ ન હતી. અમારા અખબારી જૂથે ભારતની બહાર બ્રિટનની ભૂમિ પર બહોળા વાચક વર્ગ, ભારતીયો, બ્રિટિશ એશિયનો અને ગુજરાતીઓના અધિકાર માટે સતત લડત અને અભિયાન ચલાવ્યા છે. વોટફર્ડના બંધ કરાયેલા હરેકૃષ્ણ મંદિરને ખોલાવવાની વાત હોય કે લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઈટની બાબત હોય, લોકોના સાથ સાથે સંખ્યાબંધ પિટિશનો સાથે અભિયાનો ચલાવવામાં આવ્યા છે અને સફળતા પણ મેળવી છે.
તેમણે કહ્યું હતું કે, ‘વેમ્બલીના સ્ટેડિયમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત સમયે અમારા પ્રકાશક-તંત્રી સી.બી. પટેલનો ઉલ્લેખ ‘મારા મિત્ર’ તરીકે કર્યો હતો. એબીપીએલ ગ્રૂપ દ્વારા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ ન્યૂઝ વિકલી ઉપરાંત, વિવિધ વિશેષાંકો પ્રસિદ્ધ કરવા સાથે વડીલ સન્માન, શ્રવણ સન્માન, સારસ્વત સન્માન સહિત સમાજોપયોગી પ્રવૃત્તિ પણ હાથ ધરવામાં આવે છે.’
કોકિલાબહેને કહ્યું હતું કે,‘એબીપીએલ ગ્રૂપનો ઈન્ડિયા બ્યૂરો ૧૧ વર્ષથી અમદાવાદમાં કાર્યરત છે. હું ૩૪ વર્ષથી સીબી સાહેબ સાથે જોડાયેલી છું. મને પત્રકારત્વ વિશે કોઈ જ્ઞાન ન હતું પરંતુ, તેમના પ્રોત્સાહન થકી જ પત્રકારત્વના પાઠ શીખી શકી છું. સીબીના અમૂલ્ય સેવાયજ્ઞમાં ભુપતરાય પારેખ, બળવંતભાઈ જાની, હરિભાઈ દેસાઈ, ટીનાબહેન દોશી, ભરતભાઈ વ્યાસ, પ્રવીણાબહેન પટેલ અને ધ્રૂવભાઈ ગઢવી સહિતના વ્યક્તિવિશેષો વર્ષોથી જોડાયેલાં છે.’
આ કાર્યક્રમમાં વર્ષોથી ગુજરાત સમાચાર સાથે સંકળાયેલા વરિષ્ઠ કટારલેખક અને હવે માનદ તંત્રી શ્રી વિષ્ણુભાઈ પંડ્યાને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયા બદલ સીબી પટેલ અને ભૂપતરાય પારેખ દ્વારા પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ડો. ઉર્વીબહેન ભાવેશભાઈ પારેખનું સન્માન કોકિલાબહેન પટેલ અને પ્રવીણાબહેન પટેલના હસ્તે પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાડીને કરવામાં આવ્યું હતું.
ઈન્ડિયા બ્યૂરોની સ્થાપનામાં અગ્ર ભૂમિકા ભજવનાર અને ગુજરાતના પત્રકારત્વ સાથે સાડા ચાર દાયકા કરતા વધુ સમયથી સંકળાયેલા વરિષ્ઠ પત્રકાર શ્રી ભુપતરાય પારેખે સી.બી. પટેલને ૮૦ વર્ષના યુવાન તંત્રી, માલિક અને સંપાદક ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાહેર કાર્યક્રમમાં કોઈ વ્યક્તિનું નામ લેતા નથી, પરંતુ વેમ્બલી સ્ટેડિયમમાં અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઈટની જાહેરાત કરતી વેળાએ તેમણે ૬૦,૦૦૦ લોકોની હાજરીમાં કહ્યું હતું કે, ‘મારા મિત્ર સીબી જ્યારે ગાંધીનગર આવે ત્યારે મારું ગળું પકડતા હતા.’
તેમણે કહ્યું હતું કે ગુજરાત સમાચાર ન્યૂઝપેપર નથી, ઈન્સ્ટિટ્યુશન છે અને સીબી પટેલ કોઈ વ્યક્તિ નથી, ઈન્સ્ટિટ્યુશન છે. લંડન-અમદાવાદ ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થવા પાછળ પણ સી.બી. પટેલ જ કારણભૂત છે. યુકેમાં સરદાર પટેલ સાહેબના પ્લેકવાળું મકાન પણ સી.બી.ના આંદોલન થકી જ મળ્યું છે.’ તેમણે આ પ્રસંગે મોમ્બાસાના અશ્વિનભાઈ દોશી અને કોકિલાબહેનને ખાસ યાદ કર્યા હતા.
અમદાવાદમાં ટ્રાઈડેન્ટ ગ્રૂપના ‘તનિશ્ક’ અને ‘શાશ્વત ગાંધી’ સહિત શો-રૂમ્સ ધરાવતા જતીનભાઈ પારેખે વર્તમાનકાળમાં પ્રિન્ટ મીડિયાની ભૂમિકા સમજાવતા કહ્યું હતું કે, ‘અત્યાર સુધી સીબી અને ગુજરાત સમાચાર સાથે મારો આછેરો પરિચય હતો. આજે સીબી પટેલ વિશે વિસ્તૃત જાણ્યું છે. અમદાવાદ કાર્યાલયને ૧૧ વર્ષ પૂર્ણ થવાના અભિનંદન. હું કાર્યાલયની મિલનસાર અને સપોર્ટિવ ટીમનો આભાર માનું છું. સીબીના નેતૃત્વ હેઠળ આ પ્રકાશનોએ વિવિધ કાર્યક્રમો દ્વારા ૭ મિલિયન પાઉન્ડ ચેરિટી માટે એકત્ર કર્યા છે. પ્રિન્ટ મીડિયાની તાકાત મોટી છે અને પ્રિન્ટ મીડિયા શું કરી શકે છે તે સીબીની ચળવળોથી સમજાય છે. આ માટે સીબીને હેટ્સ ઓફ્ફ.’
આ પ્રસંગે સંબોધન કરતા સી.બી. પટેલે પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા પહેલી ફેબ્રુઆરીથી ‘ગુજરાત સમાચાર’ના માનદ તંત્રીનું સ્થાન સંભાળી રહ્યા હોવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમના હાથે યુથ એક્સચેન્જનું કાર્ય હાથ ધરવાનું છે.

‘ગુજરાત સમાચાર’ મે ૨૦૧૭માં ૪૫ વર્ષ પૂર્ણ કરશે. કંપનીના માથે જરા પણ આર્થિક દેવું નથી. અમારી નીતિઓ સારી હશે તો સફળતા અવશ્ય મળશે. અમારે ત્યાં બધા સાથીઓ છે, એમ્પ્લોઈ નથી. કંપનીમાં હું માલિક નથી.’
તેમણે સર્વશ્રી પંકજ મુધોલકર, ડો. જયેશ પટેલ, સાહિત્ય, સંગીત અને કલાના રસિક ભાગ્યેશ જહા, રાજેશ પટેલ, ભરતભાઈ વ્યાસ, રમેશભાઈ પટેલ, બળવંત જાની, ડો. કેયુર બૂચ, ડો. કુંજલ બૂચ, દિવ્ય ભાસ્કર ડિજિટલના એડિટર મનીષ મહેતાના સાથ-સહકારનો આભાર માન્યો હતો. તેમણે ડો. મફતલાલ પટેલને પોતાની અત્યંત નિકટ ગણાવતા કહ્યું હતું કે તેમનું ‘અચલા’ મેગેઝિન મને ઘણું ગમે છે. તેમણે કડા ગામમાં ૫૦ લાખ રૂપિયાના ખર્ચે ૧૦૦ વર્ષ જૂની લાઈબ્રેરીને નવસમૃદ્ધ બનાવી છે.
આ પછી, સંસ્થાના પેટ્રન તરીકે કેટલાંક મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. સીબીના બાળપણના સખા જયસુખભાઈ જે. મહેતાનું સન્માન નવગુજરાત સમયના તંત્રી શ્રી અજય ઉમટ અને સાહિત્ય અકાદમીના પ્રમુખ શ્રી ભાગ્યેશ ઝાએ પુષ્પગુચ્છ સાથે શાલ ઓઢાવીને કર્યું હતું. ડો. ઉર્વીબહેન પારેખ અને રંગમંચના કલાકાર ભાવિનીબહેન જાનીએ મધુર કંઠના સ્વામિની માયાબહેન દીપક તથા દીપકભાઈનું પુષ્પગુચ્છ સાથે શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. ગુજરાત સરકારના ઓએસડી ભાગ્યેશભાઈ ઝાનું સન્માન સીબી પટેલ અને માયાબહેન દીપકના હસ્તે પુષ્પગુચ્છ સાથે શાલ ઓઢાડીને કરવામાં આવ્યું હતું.
રાજકોટ સ્થિત વેજાભાઇ રાવલીયા તેમજ તેમના પત્ની શ્રીમતી સાકરબેન ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ સાથે પૂરા ૪૦ વર્ષથી જોડાયેલા છે. સમાજસેવામાં રાવલીયા પરિવાર ઉદારમને ખૂબ જ સહાયભૂત બને છે અને રાજકોટ સ્થિત તેમની સીઝન્સ હોટેલ ભારતભરમાં વિખ્યાત છે. વેજાભાઇને પેટ્રન તરીકે આવકારતા સીબી પટેલે અત્યંત ગૌરવ વ્યક્ત કર્યું હતું .
કાર્યક્રમમાં આ પછી ઈન્ડિયા બ્યૂરોમાં પાંચ વર્ષ કરતા વધુ સમયથી કાર્યરત સાથીઓનું સી.બી. પટેલ અને ભુપતરાય પારેખના હસ્તે એપ્રિશિયેશન સર્ટિફિકેટ એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું. ઈન્ડિયા બ્યૂરોના આરંભથી જ ગ્રાફિક ડિઝાઈનર તરીકે કાર્યરત
વિક્રમ નાયક ઉપરાંત, એકાઉન્ટ્સ મેનેજર હાર્દિક શાહ, એશિયન વોઇસના ન્યૂઝ એડિટર કે. કે. જોસેફ, ગ્રાફિક ડિઝાઇનર મુકેશભાઈ પટેલ તેમજ બ્યૂરો ચીફ નીલેશ પરમાર આ સન્માનના અધિકારી બન્યા હતા. ભાગ્યેશભાઈ ઝાએ સંબોધનમાં જણાવ્યું હતું કે, ‘મેં લંડનમાં સીબીનો દબદબો જોયો છે.
છ ગામના પટેલ થઈને તેઓ કહે કે હું મારા પત્નીનો એમ્પ્લોઈ છું તેનાથી વધુ નાગરપણું શું કહેવાય? આજની માનસિકતા એવી છે કે સાહિત્ય કોઈ વાંચતું નથી અને છાપામાં વાંચવા જેવું હોતું નથી.’ તેમણે હળવાશની શૈલીમાં ગંભીર અને માર્મિક ચાબખો મારતા મૂર્ધન્ય લેખક વિનોદભાઈ ભટ્ટ સાથેની વાતચીત રજૂ કરી હતી. ‘વિનોદભાઈ ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ, લેખક અને વૈદ્ય સ્વ. લાભશંકર ઠાકરના નિધન પ્રસંગે સ્મશાનગૃહ ગયા હતા ત્યારે તેઓ રીક્ષામાંથી ઉતરી ડ્રાઈવર સાથે વાત કરી રહ્યા હતા. આથી મેં તેમને પૂછ્યું કે, રીક્ષાવાળા ભાઈ શું રકઝક કરી રહ્યા હતા? ત્યારે તેમણે કહ્યું, ના ભાઈ, રીક્ષાવાળાએ તો મને બહુ મોટો પ્રશ્ન પૂછી લીધો હતોઃ કાકા, પાછા આવવાનું છેને?! ગુજરાતી ભાષાના મહાન સપૂતનો સ્વર્ગવાસ થયો હતો ત્યારે એક બીજા મહાન સપૂતને આવો પ્રશ્ન કરાયો હતો.
આ જ વાત આપણે ગુજરાતી ભાષા વિશે કરી શકીએ. ભાષાએ કૌવત ગુમાવ્યું છે અને કોમ્યુનિકેશનના સાધનો વધવા સાથે ગેપ વધ્યો છે. પરંતુ, આપણે બધા સભાન પ્રયાસો સાથે તેને જીવાડવી પડશે અને આપણે તે કરી શકીશું.’ ભાગ્યેશભાઈએ નાગરી શૈલીમાં તેમના પિતાએ આપેલી ત્રણ સલાહ યાદ કરતા કહ્યું હતું કે, ‘વહેલા ઉઠો અને એક પણ મિનિટ બગાડશો નહિ. બીજી સલાહ એ હતી કે કોઈએ તમારી ગેરહાજરીમાં કશું કહ્યું હોય તો કોઇ પૂર્વગ્રહ બાંધી લેવાના બદલે તેના વિશે ખાતરી કર્યા પછી જ પગલું ભરવું. અને ત્રીજી મહત્ત્વની સલાહ એ હતી કે જમવાનું હોય ત્યાં લાંબુ ભાષણ કરવું નહિ.’ આ સાંભળી ઓડિયન્સે ખડખડાટ હાસ્ય સાથે તેમને વધાવી લીધા હતા.
પારેખ પરિવારના સૌથી નાના સભ્ય અને ધોરણ ૮ માં અભ્યાસ કરતા  ૧૨ વર્ષીય ઋષિલ ભાવેશભાઈ પારેખે કુટુંબવત્સલ માતા-પિતા ડો. ઉર્વીબહેન અને ડો. ભાવેશભાઈ પારેખ પ્રતિ પોતાની લાગણી વ્યક્ત કરતું ટુંકુ વક્તવ્ય આપ્યું હતું. તેણે કહ્યું હતું કે,‘અહીં બધાએ મારા માતા-પિતા જેવા સંતાન મળવા અહોભાગ્ય હોવાનું જણાવ્યું છે. મારે તો કહેવું છે કે તેમના જેવા માતા-પિતા મળવા એ જ મોટું અહોભાગ્ય છે.’ આ પછી, ઋષિલે ‘ભૂલો ભલે બીજુ બધું, માબાપને ભૂલશો નહિ’ કાવ્યકંડિકા સાથે વક્તવ્ય પૂર્ણ કર્યું હતું. આ પછી, ઉપસ્થિત આમંત્રિતોએ ભોજનનો રસાસ્વાદ માણ્યો હતો.

•••

ઉપસ્થિત મહેમાનોએ કાર્યક્રમને દીપાવ્યો

પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા, વરિષ્ઠ પત્રકાર ભૂપતરાય પારેખ, જીસીસીઆઇ સંચાલિત એનઆરજી કમિટીના ચેરમેન તથા ભૂતપૂર્વ હાઇ કમિશનર કે. એચ. પટેલ, બળવંતભાઈ જાની, જયસુખભાઈ જે. મહેતા, ડો. હરિ દેસાઇ, ડો. ટીના દોશી, રાજેશ પટેલ, ભરતભાઈ વ્યાસ, પ્રવીણાબહેન પટેલ અને ધ્રૂવભાઈ ગઢવી, ગુજરાત સરકારના ઓએસડી ભાગ્યેશભાઇ જ્હા, આકૃતિ પ્રમોશન્સ એન્ડ મીડિયાના મેનેજિંગ ડિરેક્ટર પંકજ મુધોલકર,
ડો. જયેશ પટેલ, નવગુજરાત સમય દૈનિકના તંત્રી અજય ઉમટ, ડો. મફતલાલ પટેલ, ટ્રાઈડેન્ટ ગ્રૂપના જતીનભાઈ પારેખે ડો. રિઝવાન કાદરી, કેન્યાનિવાસી વાચક-ચાહક અશ્વિનભાઈ દોશી, CIMSના ડો. કેયુર બૂચ અને ડો. કુંજલ બૂચ, દિવ્ય ભાસ્કર ડિજિટલના એડિટર મનીષ મહેતા, સરલાબહેન ભૂપતરાય પારેખ, એબી પબ્લિકેશન (ઇંડિયા) પ્રા. લિ.ના ડિરેક્ટર અને જાણીતા ઓન્કોલોજિસ્ટ ડો. ભાવેશભાઈ ભૂપતરાય પારેખ, ડો. ઉર્વીબહેન પારેખ અને રંગમંચના કલાકાર ભાવિનીબહેન જાની, માયાબહેન દીપક તથા દીપકભાઈ, જયેન્દ્ર ઝાટકિયા (ઝાટકિયા સ્ટુડિયોઝ, કૃણાલ ઠક્કર (દાસ ખમણ), નિખિલ નાયક, નીલેશ રાવ, જનાર્દનભાઈ પટેલ, ઈન્દુમતીબહેન પટેલ, સાધુરામભાઈ પટેલ, નિહિર પટેલ, મનીષભાઈ રાજપૂત, સુજલબહેન રાજપૂત, અંકિતભાઈ શાહ (એડવોકેટ), હીરલબહેન અંકિત શાહ, ગ્રીષ્માબહેન ચૌધરી પટેલ (શંકુઝ), અભિજિત સોની, હાર્દિક લાંગલિયા, ધારા ખૂબચંદાણી, હિમાંશુ ચોઘડા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter