સુરતઃ પાટીદાર સંગઠનના કન્વીનર હાર્દિક પટેલે લાજપોર જેલમાંથી તાજેતરમાં તેના પિતા ભરત પટેલને સંબોધીને એક પત્ર લખ્યો હતો. પત્રમાં પરિવારના હાલચાલ પૂછવા સાથે આંદોલન બંધ કરવા માટે એક આઇએએસ અધિકારીએ રૂ. ૧૨૦૦ કરોડની ઓફર તેને કરી હોવાની સ્ફોટક વાત પણ લખી હતી. ૧૨મી ફેબ્રુઆરીએ હાર્દિકના કાકા અને પાસના કાર્યકર્તા નિખિલ સવાણી લાજપોરની જેલમાં હાર્દિકને મળવા ગયા ત્યારે આ પત્ર હાર્દિકે તેમને આપ્યો હતો. જોકે આંદોલન સાથે જ સંકળાયેલા વર્તુળો હાર્દિકના આ પત્રની અધિકૃતતા વિશે સવાલો ઉઠાવી રહ્યા છે.
કતારગામના રહીશ અને ભાજપના વોર્ડ પ્રધાન પ્રવીણ મોરડિયાએ હાર્દિક પાસે આંદોલન હેઠળ કરેલા ખર્ચ અંગે હિસાબની માંગણી સાથે કહ્યું છે કે, રૂ. ૧૨૦૦ કરોડની ઓફર કરનારનું નામ હાર્દિક જાહેર કરે.
પત્રમાં હાર્દિકે જણાવ્યું હતું કે, છેલ્લા ૩-૪ દિવસથી સરકારી અધિકારીઓ તેને મળવા આવે છે. જેમાંના એક આઇએએસ અધિકારીએ જ પાટીદારો પર લાઠીચાર્જ અને ગોળીબારનો આદેશ દિલ્હીના ઇશારે આપ્યો હતો. આ વ્યક્તિએ મને આંદોલન બંધ કરવા રૂ. ૧૨૦૦ કરોડની તથા રાષ્ટ્રીય ભાજપ યુવા મોરચામાં ઉચ્ચ હોદ્દો આપવાની ઓફર કરી છે. તેણે એમ પણ કહ્યું હતું કે, આંદોલન બંધ નહીં થાય તો રાજ્યમાં કોઇપણ વ્યક્તિ તને જેલમાંથી નહીં છોડાવે. મેં આ અધિકારીઓ અને અન્યોને ભગાડી મૂક્યા હતા. હું જેલમાંથી નહીં છૂટું તો વાંધો નથી, પણ સમાજની સાથે ગદ્દારી ન કરી શકાય. આ આઇએએસ કોણ છે? તેના નામનો ઉલ્લેખ હાર્દિકે પત્રમાં કર્યો નથી.
દરમિયાન, ૧૬મી ફેબ્રુઆરીએ કામરેજ ચક્કાજામ મામલે હાર્દિક પટેલને કઠોર કોર્ટ દ્વારા શરતી જમીન મળ્યાં છે. લાજપોર જેલમાં તબીબી તપાસમાં હાર્દિકને તાવ, સામાન્ય કળતર અને ડાયેરિયા હોવાનું સામે આવ્યું હતું. તબીબે કોર્ટમાં જવા ટ્રાવેલિંગની પરવાનગી આપી હતી, પરંતુ હાર્દિકે જ ના પાડતાં તેને કોર્ટમાં લઈ જવાયો નહોતો. બીજી તરફ પાસના કાર્યકર્તા વરુણ પટેલ અને મહેશ પનારાએ આંદોલનને વેગ આપતાં ૧૪મીએ કહ્યુંુ કે, અમારે ઓબીસી કેટેગરીમાં અનામત જોઈતી નથી અમારી અલગ કેટેગરી હોવી જોઈએ.


