અમદાવાદઃ રામકથાકાર મોરારિબાપુએ ‘લાડુડી ખાઈને નીલકંઠ ન થવાય’ તેવું નિવેદન કર્યું એ પછી મોરારિબાપુના સમર્થકો અને સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ વચ્ચે વિરોધનો વંટોળ ઊભો થયો છે. સ્વામીનારાયણ સંતોએ મોરારિબાપુ જાહેરમાં માફી માગે તેવી માગણી પછી મોરારિબાપુએ જામનગરમાં કથા સમાપનમાં માફી માગી, પણ તે સ્પષ્ટ ન હોવાનું કહેવાય છે. દરમિયાન મોરારિબાપુએ છઠ્ઠીએ બે દિવસ મૌન પર ધારણ કરી લીધું હતું. જોકે આ વિવાદ શમ્યો નહોતો અને મોરારિબાપુના સમર્થક ઇન્દ્રભારતી બાપુએ કહ્યું કે, મોરારિબાપુ માફી નહીં માગે અને માફી માગવા પણ નહીં દઈએ તો સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ વિવિધ રીતે વિરોધ દર્શાવી રહ્યાં છે.
નીલકંઠ પર અભિષેકની ટિપ્પણી
શિવ ઉપર જ અભિષેક થાય અને લાડુડી ખાઈને નીલકંઠ ન થવાય તે પ્રકારની મોરારિબાપુની ટિપ્પણી બાદ વિવાદ સર્જાયો હતો. બીએપીએસ દ્વારા માગ થઈ હતી કે, મોરારિબાપુ માફી માગે. બીજી તરફ સનાતન ધર્મના ઘણા સંતો-સંસ્થાઓએ પણ પોતપોતાના મંતવ્યો આ વિવાદ અંગે રજૂ કરતાં વિવાદ બે વિભાગોમાં વહેચાઈ ગયો હતો.
સ્વામીનારાયણ સંતોની માગ
મોરારિબાપુએ કહ્યું હતું કે, નીલકંઠ એટલે ફક્ત ભગવાન શંકર. જે ઝેર પીવે એ જ નીલકંઠ અને લાડુડી ખાય તે નકલી નીલકંઠ. આ ટિપ્પણી બાદ મોરારિબાપુ પર સ્વામીનારાયણ સંપ્રદાય તેમજ હરિભક્તો રોષે ભરાયા હતા. નિવેદન બાદ તમામ સ્વામીનારાયણ સંપ્રદાય એક થઈ ગયા. બીજી તરફ મોરારિબાપુએ એક વીડિયો જારી કરીને એવું કહ્યું કે, કોઈનું પણ મન દુભાયું હોય તો ‘મિચ્છા મિ દુક્કડમ’. જોકે આ અંગે પછીથી બાપુનો સંપર્ક કરવામાં આવ્યો તો જાણવા મળ્યું હતું કે તેમણે બે દિવસ મૌન ધારણ કરી લીધું હતું. જોકે બીએપીએસ સંસ્થાએ ત્યારે પણ જણાવ્યું કે, મોરારિબાપુ સાચા હૃદયથી સ્પષ્ટ માફી માગે. બીએપીએસ સંપ્રદાયના સાધુ અક્ષરવત્સલ સ્વામીએ કહ્યું કે, મોરારિબાપુ જેવા આદરણીય કથાકાર વ્યાસપીઠ પરથી ભગવાન સ્વામીનારાયણ વિશે કશું પણ જાણ્યા વિના અણછાજતી ટિપ્પણી કરે એ તેમને શોભતું નથી. મોરારિબાપુએ ‘મિચ્છામિ દુક્કડમ’ તો કહ્યું, પણ તે સમયે ચહેરા પર અફસોસનો ગ્લાનિભાવ દેખાતો નહોતો. મોરારિબાપુએ જાહેરમાં સાચા હૃદયથી સ્પષ્ટ માફી માગવી જોઈએ.
વડતાલ સંપ્રદાયના વિવેકસાગર સ્વામીએ જણાવ્યું કે, આ તો કંઈ માફી માગવાની રીત છે? બાપુએ માફી માગી તે જોઈને થાય કે આ માફી માગવાના ચાળા છે. માફી માગવી હોય તો સ્વામીનારાયણ ભગવાન અને કરોડો હરિભક્તોની સાચા દિલથી માફી માગવી જોઈએ. કુમકુમ મંદિરના પ્રેમવત્સલદાસજીએ કહ્યું કે, મોરારિબાપુ જેવા આદરણીય કથાકાર નીલકંઠવર્ણીનું અપમાન કરે એ શોભતું જ નથી, તેમણે ‘મિચ્છામિ દુક્કડમ’ જેવા જૈન સંપ્રદાયના કથનનો સહારો લેવાને બદલે સીધું સ્વામીનારાયણ સંપ્રદાયનું નામ દઈને જ માફી માગવી જોઈએ. સરધાર ધામના નિત્યસ્વરૂપદાસ સ્વામીએ આ અંગે કહ્યું કે, બાપુનો વીડિયો જોઈએ તો લાગે કે માફી માગતા હોય તેવો ભાવ જ દેખાતો નથી. મોરારિબાપુ જેવી પ્રખ્યાત હસ્તીએ સમગ્ર સ્વામીનારાયણ સંપ્રદાય અને ભગવાન સ્વામીનારાયણની સ્પષ્ટ માફી માગવી જોઈએ.
મણિનગર ગાદી સંસ્થાએ જણાવ્યું કે, મોરારિબાપુને ભગવાન સ્વામીનારાયણ સદબુદ્ધિ આપે. તેમના જેવા માણસોએ ભારતીય સંસ્કૃતિની આન-બાન-શાનને ઠેસ ન પહોંચે તેવું કાર્ય કરવું જોઈએ નહીં.
માનસક્ષમામાંઃ ક્ષમા વીરસ્ય ભૂષણમ્
સાતમી સપ્ટેમ્બરે જામનગરમાં શરૂ થયેલી રામકથાના પ્રારંભે મોરારિબાપુએ ક્ષમાપના વ્યક્ત કરી હતી. જોકે આ કથાનું નામ જ ‘માનસક્ષમા’ હોવાથી મોરારિબાપુએ ક્યા સંદર્ભે માફી માગી એ સ્પષ્ટ થયું નથી. તેવું સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયીઓએ જણાવ્યું હતું. મોરારિબાપુએ કહ્યું હતું કે, ક્ષમા વીરોનું ભૂષણ છે, કાયરો કદી ક્ષમા માગતા નથી કે આપતા પણ નથી, કોઈનું દિલ દુભાયું હોય તો ક્ષમા માગવી એ વીરતા છે. અહીં તો કથાનું નામ જ માનસક્ષમા છે. તેમણે અનુભવ વર્ણવતા કહ્યું કે, વ્યાસપીઠ ઉપર અગાઉ કેટલાક લોકો આવી ચડેલા, પણ સત્ય સમજાતાં ક્ષમા માગેલી, મારો સ્વભાવ ક્ષમા આપવાનો છે. જોકે બાપુએ કથામાં ક્યાંય વિવાદનો ઉલ્લેખ કર્યો નહોતો.
મોરારિબાપુ માફી નહીં માગેઃ ઇન્દ્રભારતી બાપુ
જૂનાગઢના ભવનાથ સ્થિત રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ મોરારિબાપુના સમર્થનમાં આવ્યા. તેમણે કહ્યું હતું કે, મોરારિબાપુ માફી નહીં માગે અને તેને માફી માગવા પણ નહીં દઈએ. તેઓ સનાતમ ધર્મના પ્રચારક છે. ધર્મની ટીકા કરનારને કોઈ કાળે સાંખી નહીં લેવાય. હાલમાં વિદ્રોહી હિન્દુ ધર્મને વેરવિખેર કરવા મથે છે ત્યારે બૌદ્ધ, જૈન, સ્વામીનારાયણ વગેરે પંથોમાં ન પડતા બધા હિન્દુ છીએ તે ધ્યાન રાખો. હિન્દુ વિચારધારા રાખો તેમાં જ સૌનું કલ્યાણ છે.
સ્વામી વિરુદ્ધ એટ્રોસિટી
આ વિવાદ વચ્ચે રવિવારે સ્વામીનારાયણ સંપ્રદાયના વિશ્વવલ્લભ સ્વામીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં સ્વામી દલિત સમુદાય માટે પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કરતા સંભળાયા હતા. આ મુદ્દે જામનગરમાં સ્વામી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવા પોલીસ સમક્ષ અરજી થઈ છે. સ્વામી વિશ્વવલ્લભ સ્વામી તથા ગુણાતીનંદન સ્વામી ઉર્ફે ગોપાલ સ્વામીના વીડિયોમાં દલિત સમાજના લોકો માટે અપમાનજનક શબ્દો બોલ્યા હોવાનું જણાવીને અમદાવાદના વેજલપુરના રહીશ હિતેન્દ્ર પિઠડિયા (ઉં ૩૯)એ રવિવારે વેજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરીને સ્વામીજીઓ સામે એટ્રોસિટી નોંધવા અરજી કરી હતી. સુરતના ગુરુકુળના સ્વામી ધર્મવલ્લભદાસનો વીડિયો વારયલ થયો છે જેમાં ‘કૃષ્ણ ગોવાળિયો હતો’ એવી ટિપ્પણી કરાતાં રવિવારે આહિર સમાજના યુવાનો સુરતના વેડરોડ સ્થિત ગુરુકુળ પહોંચી ગયા હતા ને વિરોધ પ્રદર્શન યોજી સ્વામી ધર્મવલ્લભ માફી માગે તેવી માગ કરી હતી. વિવાદો વચ્ચે જૈન ધર્મના આચાર્ય વિમલસાગર સૂરીજીનો વીડિયો વાયરલ થયો છે જેમાં નવરાત્રિ પર્વને લઈ ટિપ્પણી કરાઈ છે કે ધીમે ધીમે ગરબાની પરંપરા અનૈતિક સંબંધ મામલે આગળ વધી ગઈ છે. વિવિધ સંપ્રદાય વચ્ચે વૈમનસ્ય વધે તેવા વીડિયો વાયરલ થતાં લોકોમાં પણ ચર્ચા ફેલાઈ છે.
આ વિવાદ મુદ્દે મંગળવારે જૂનાગઢમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો અને મેયર ધીરૂભાઇ ગોહેલ વચ્ચે બંધબારણે બેઠક યોજાઇ હતી. મેયર ધીરૂભાઇ જૂનાગઢમાં યોજાયેલા સનાતન ધર્મ સંત સંમેલનમાં સ્વામીનારાયણ સંપ્રદાયના દૂત તરીકે હાજર રહ્યા હતા. તેમણે સંમેલનની આગેવાની લેનાર ઇન્દ્રભારતી બાપુને ખાતરી આપી હતી કે સ્વામીનારાયણ સંપ્રદાયના કોઇ પણ સંત હવે વિવાદિત નિવેદનો નહીં આપે. બીજી તરફ, ખાખી અખાડાના સંત અખિલેશ્વરદાસ મહારાજે સ્પષ્ટપણે કહ્યું હતું કે, મોરારિબાપુ હોય કે સ્વામીનારાયણ સંપ્રદાય તમામ સનાતન ધર્મના જ પ્રતિનિધિઓ છે. ત્યારે કોઈએ આ બાબતે માફી માગવી કે માફી મંગાવવા જેવા કૃત્યો કરવા જોઇએ નહીં. મોરારિબાપુએ જે માફી પહેલા માગી છે તેને સ્વીકાર કરી લેવામાં આવી છે. જેથી હવે ઈન્દ્રભારતી બાપુએ પણ સમાધાનકારી સંકેતો આપ્યા છે.
દરમિયાન આ અખબાર પ્રેસમાં જઇ રહ્યું છે ત્યારે મળતા અહેવાલ અનુસાર, આ વિવાદ મુદ્દે આજે મંગળવારે જૂનાગઢમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને મેયર ધીરૂભાઇ ગોહેલ વચ્ચે બંધબારણે બેઠક યોજાઇ હતી. મેયર ધીરૂભાઇ જૂનાગઢમાં યોજાયેલા સનાતન ધર્મ સંત સંમેલનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના દૂત તરીકે હાજર રહ્યા હતા. તેમણે સંમેલનની આગેવાની લેનાર ઇન્દ્રભારતી બાપુને ખાતરી આપી હતી કે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઇ પણ સંત હવે વિવાદીત નિવેદનો નહીં આપે. બીજી તરફ, ખાખી અખાડાના સંત અખિલેશ્વરદાસ મહારાજે સ્પષ્ટપણે કહ્યું હતું કે, મોરારિ બાપુ હોય કે સ્વામિનારાયણ સંપ્રદાય તમામ સનાતન ધર્મના જ પ્રતિનિધીઓ છે. ત્યારે કોઈએ આ બાબતે માફી માગવી કે માફી મંગાવવા જેવા કૃત્યો કરવા જોઇએ નહીં. મોરારિ બાપુએ જે માફી પહેલા માંગી છે તેને સ્વીકાર કરી લેવામાં આવી છે. જેથી હવે ઈન્દ્રભારતી બાપુએ પણ સમાધાનકારી સંકેતો આપ્યા છે.


