ગાંધીનગરઃ મહેસાણામાં ૧૯મી એપ્રિલે જેલભરો આંદોલનમાં થયેલી ધમાલ પછી સરદાર પટેલ ગ્રૂપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલની ધરપકડ થઈ હતી. આ કેસમાં રાજ્ય સરકારની દખલ પછી ૨૫મી જૂને જામીન ઉપર છૂટીને બહાર આવેલા લાલજી પટેલે ૨૭મી જૂને સચિવાલયમાં મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ સાથે મુલાકાત કરી. એ પછી સરકારના વલણને હકારાત્મક ગણાવીને ૧૦ ટકા ઇબીસીનો સ્વીકાર કર્યો હતો.
સિનિયર પ્રધાન નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી સાથે આનંદીબહેન પટેલને મળવા ગયેલા લાલજી પટેલે કહ્યું હતું કે, આંદોલન તો સ્થગિત જ છે. અમે જેલમાં ગયા પછી આંદોલન ચાલુ જ ક્યાં હતું? વળી, સરકારે અમારી મોટાભાગની માગણીઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ પણ કર્યો છે.


