ગાંધીનગરઃ રાજ્યના આરોગ્ય વિભાગમાં નેશનલ હેલ્થ મિશનમાં ડિરેક્ટર તરીકે મુકાયેલા સસ્પેન્ડેડ આઇએએસ ગૌરવ દહિયાએ તેમની પત્ની હોવાનો કથિત રીતે ખોટો દાવો કરનારી મહિલા લીનુ સિંઘ, તેના પતિ કુલદીપ દિનકર તેમજ અન્ય અજાણ્યા લોકો સામે દિલ્હીમાં ફરિયાદ કરી છે.
‘લીનુના આક્ષેપ ખોટા’
ગૌરવ દહિયાએ ફરિયાદમાં લીનુ સિંઘ પર એવા આક્ષેપ કર્યાં છે કે, લીનુ સિંઘે અત્યાર સુધીમાં મારી પર જે પણ કંઈ આક્ષેપ કર્યાં તે બધાં ખોટાં છે. એ પરિણીત હોવા છતાં મારી સાથે ફ્રેન્ડશિપ કરીને મિત્રદાવે પૈસા પડાવવાનું, મને બ્લેક મેઇલ કરી કરીને હેરાન કરવાનું ગુનાહિત કૃત્ય તેણે કર્યું છે.
આર્થિક મુશ્કેલીનું બહાનું
ગૌરવ દહિયાએ ફરિયાદમાં એવું જણાવ્યું છે કે, લીનુ સિંઘે નાણાકીય મુશ્કેલીમાં હોવાનું કહી કહીને મારી પાસે વારંવાર પૈસા માગ્યા હતા. શરૂઆતના તબક્કે તેની માગણી સંતાષી હતી, પણ પછીથી તેની ડિમાન્ડ સતત વધી હતી. તેણે એવા મેસેજ મોકલ્યો હતો કે, મને દિલ્હીવાળો ફ્લેટ અને અમદાવાદનું ઘર આપી દો તો હું આપણા સંતાનને લઇને જતી રહીશ. જોકે આ સમગ્ર બાબત ખોટી સાબિત થઈ છે.
ગૌરવા દહિયાએ જણાવ્યું છે કે લીનુના સતત આક્ષેપો બાદ હવે લીનુ સિંઘ અને તેના પતિ તેમજ અન્ય અજાણ્યા માણસો સામે તાજેતરમાં દિલ્હીમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જન્મના ત્રણ પ્રમાણપત્રો
દહિયાએે જણાવ્યું કે, લીનુ પાસે ૩ અલગ અલગ જન્મ તારીખ ધરાવતાં પ્રમાણપત્રો છે. ચૂંટણી કાર્ડમાં ૨૩મે ૧૯૮૫, પાનકાર્ડમાં ૨૩ મે ૧૯૮૧ અને કોલેજના આઇકાર્ડમાં ૨૩ મે, ૧૯૯૪ દર્શાવવામાં આવ્યું છે. આ અંગે જરૂરી તપાસ થાય એવી અરજી છે.