લુણાવાડામાં રાજ્યકક્ષાના ૬૯મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી

Monday 17th August 2015 10:49 EDT
 
 

લુણાવાડાઃ મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે ૧૫ ઓગસ્ટે રાજ્યકક્ષાના ૬૯મા સ્વાતંત્ર્યદિનની શાનદાર ઉજવણી કરાવીને મહત્ત્વની જાહેરાતો કરી હતી. તેમણે રાષ્ટ્રધ્વજને સલામી આપીને અગત્યની જાહેરાતો કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્લાસ્ટિકના વપરાશ તથા ઉપયોગ પર અસરકારક અંકુશ લાવવામાં આવશે. પર્યાવરણની જાણવણી માટે પ્લાસ્ટિકના વપરાશ માટે કાયદાકીય નિયંત્રણો લાવવામાં આવશે. આ ઉપરાંત તેમણે રાજ્યના સર્વાંગી વિકાસ ઉપર ભાર મૂક્યો હતો.

ગ્રામીણ મહિલાઓના વિધવા પેન્શન માટે આવક મર્યાદા રૂ. ૨૭ હજારથી વધારીને ૪૭ હજાર અને શહેરી વિધવા મહિલાઓ માટે આવકમર્યાદા ૩૬ હજારથી વધારીને ૬૮ હજાર કરવામાં આવી હોવાની તેમણે જાહેરાત કરી છે. આમ છતાં મોટા પ્રમાણમાં વિધવાઓને સરકાર પેન્શન આપી શકશે અને તેમને જીવન જીવવામાં મહિને સારી રકમ મળતી થશે. મુખ્ય પ્રધાને રાજ્યમાં ચાર મહત્ત્વના સ્થળોએ યુવાનો માટે ખાનગી અને સરકારની મદદથી ઔદ્યોગિક ક્ષેત્રના નોકરી માટેની તકો વધારતાં સ્કિલ ડેવલપમેન્ટ કેન્દ્રો સ્થાપવાની જાહેરાત કરી હતી. યુવાનો નોકરીના ઈન્ટવ્યૂ માટે જતાં હોય ત્યારે તેમને એસટી બસમાં ભાડામાંથી મુક્તિ અપાશે. સ્વાતંત્ર્યસેનાનીઓના પેન્શનમાં વધારો કરવાની પણ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરોમાં તમામ માટે શૌચાલયો બનાવવાની કામગીરી પૂર્ણ થઇ છે. હવે શહેરોમાં એક પણ ઘર એવું નથી કે જ્યાં મહિલાઓએ શૌચક્રિયા માટે ખૂલ્લામાં જવું પડે. ગ્રામ્ય વિસ્તારોમાં ૮ લાખ શૌચાલયો બનાવાયા છે. ૨૦૧૬ સુધીમાં ગ્રામ્ય વિસ્તારોમાં તમામને આ સુવિધા અપાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter